ઈસ્લામાબાદ- ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક દેવાળિયાપણાની સ્થિતિમાં પહોંચી ગયો છે. છેલ્લા કેટલાંક સમયથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સતત કથળી રહી છે. અને વિદેશી દેવું પણ સતત વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી મહિને પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાશે. આવી પરિસ્થિતિમાં દેશની કથળી રહેલી આર્થિક સ્થિતિ પણ ચૂંટણીમાં એક મોટો મુદ્દો બની શકે છે.ગત રોજ જારી કરવામાં આવેલા આંકડા મુજબ પાકિસ્તાની રુપિયાની કીમત હવે અમેરિકન ડોલર સામે 122 થઈ ગઈ છે. સોમવારે પાકિસ્તાની રુપિયાની કીમતમાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એટલે કે જો પાકિસ્તાનની સરખામણી ભારત સાથે કરવામાં આવે તો, તેની સ્થિતિ ખૂબ કંગાળ છે. ભારતીય રુપિયાની કીમત એક અમેરિકન ડોલરની સરખામણીમાં 67 છે. એટલે કે ભારતના પચાસ પૈસા પાકિસ્તાનના એક રુપિયાની સમકક્ષ કહેવાય.
એવી પણ અટકળો છે કે, ચૂંટણી પછી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ પાસેથી (IMF) લોન મેળવી શકે છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ચૂકવણી કટોકટીના સંતુલનનું જોખમ રહેલું છે. આ પહેલાં પાકિસ્તાને વર્ષ 2013માં પણ IMF પાસે સહાય માગી હતી.
આપને જણાવી દઈએ કે, હાલમાં જ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન પાસે હવે ફક્ત 10.3 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર બાકી રહ્યો છે. જે ગત વર્ષ આ સમયગાળા દરમિયાન 16.4 અબજ ડોલર હતો.