ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની ધરતી પર સંચાલિત આતંકી સંગઠનો માટે કોરોના મહામારી જાણે એક ભેટ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ આતંકી સંગઠનોના જે નેતાઓ જેલમાં બંધ હતા તેમને કોરોના મહામારી ફેલાવાના નામે છોડી મૂકવામાં આવ્યા છે. પાકિસ્તાને એફએટીએફના બ્લેક લિસ્ટમાં મુકાતું પોતાને બચાવવા માટે લશ્કર-એ-તૈયબા પ્રમુખ હાફિઝ સઈદ સહિત કેટલાય આતંકીઓને જેલમાં બંધ કર્યા હતા પરંતુ હવે આ લોકો આરામથી પોતાના ઘરમાં રહે છે અને ષડયંત્રો રચી રહ્યા છે. ગત મહિને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે લાહોર જેલમાં બંધ આશરે 50 જેટલા કેદી કોરોના પોઝિટીવ જણાયા છે. આ સ્થિતિએ પાકિસ્તાનને આતંકીઓને મુક્ત કરવાની સારી તક આપી છે. અત્યારે આખી દુનિયાનું ધ્યાન લાખો લોકોના જીવ ભરખી ચૂકેલા કોરોના વાયરસ સામે લડવામાં છે ત્યારે પાકિસ્તાને તકનો ફાયદો ઉઠાવીને આ ખુંખાર આતંકીઓને મુક્ત કર્યા છે.
પાકિસ્તાનની આ હરકત પર આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પ્રતિક્રિયા આવવાની અપેક્ષા નથી. એફએટીએફ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં યથાવત રાખવા માટે આવતા મહિને સમીક્ષા કરશે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાને પોતાના Terrorist Surveillance List માંથી 1800 જેટલા આતંકીઓના નામોને હટાવી દીધા છે.
બીજી તરફ, જમ્મૂ-કાશ્મીરમાં તાજેતરના દિવસોમાં જ વધી રહેલી આતંકી ઘટનાઓથી સાબિત થાય છે કે, પાકિસ્તાનનું ધ્યાન કોરોના સામે લડવામાં નહી પરંતુ આ સંકટનો ગેરફાયદો ઉઠાવીને ભારતમાં આતંકીઓની ઘુસણખોરી અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં છે. 18 એપ્રીલના રોજ થયેલા આતંકી હુમલામાં 3 સીઆરપીએફના જવાનો શહિદ થયા હતા અને ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હતા. એક સપ્તાહની અંદર જ દળ પર આ ત્રીજો હુમલો હતો. રાજ્યના ડીજીપીએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, અત્યારસુધી આપણે પાકિસ્તાન દ્વારા આતંકીઓની ઘુસણખોરી મામલે સાંભળતા જ આવ્યા છીએ પરંતુ હવે તેઓ રાજ્યના લોકોને સંક્રમિત કરવા માટે કોરોના વાયરસ પોઝિટિવ લોકોને મોકલી રહ્યું છે.
