કોરોનાની રસી વર્ષના અંત સુધીમાં બની જવાની ટ્રમ્પને આશા

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની પાસે આ વર્ષના અંતમાં કોરોના વાઇરસની રસી આવી જશે. એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે અમને પૂરો વિશ્વાસ છે કે અમારી પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસની વેક્સિન તૈયાર થઈ જશે. ટ્રમ્પે એ પણ કહ્યું હતું કે તેઓ સપ્ટેમ્બરથી સ્કૂલ અને યુનિવર્સિટી ખોલવાનો આગ્રહ કરશે. તેઓ ઇચ્છે છે કે બાળકો સ્કૂલ-યુનિવર્સિટીમાં જાય.

કોરોના વાઇરસની વેકિસન બનાવવામાં કેટલાય દેશો વ્યસ્ત છે. અનેક દેશોમાં વેક્સિનની અજમાયશો પણ થઈ ચૂકી છે. અમેરિકા પણ વેક્સિનની ટ્રાયલ કરી ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોઈ અન્ય દેશ કોરોનાની વેક્સિન તૈયાર કરી લેશે તો તેઓ ખુશ થશે. તેમણે કહ્યું છે કે વેક્સિન કયો દેશ બનાવે એની મને કોઈ ચિંતા નથી, કોઈ અન્ય દેશ બનાવે તો એની સામે મને કોઈ વાંધો નથી. મારે તો બસ વેક્સિન જોઈએ છે, જે આ વાઇરસ સામે અસર કરે.