ઈસ્લામાબાદ- થોડા સમય પહેલાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટાનિયો ગુતારેસે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો ઈનકાર કર્યો હતો. તેમ છતાં પાકિસ્તાન તેની ‘નાપાક’ હરકતો કરવાનું છોડતું નથી. પાકિસ્તાનના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં પશ્ચિમ એશિયાની ચર્ચા દરમિયાન ફરી એકવાર ‘કશ્મીર રાગ’ આલાપ્યો હતો.મહત્વનું છે કે, કશ્મીર મુદ્દાને લઈને પાકિસ્તાનને દર વખતની જેમ આ વખતે પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં પશ્ચિમ એશિયામાં હાલની અશાંત સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીએ કશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે તેની વાતને UNમાં ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
મલીહા લોધીએ UN બેઠકમાં જણાવ્યું કે, વિદેશી કબજામાં રહેતા પેલેસ્ટાઈનના લોકોની અપેક્ષાઓનું પાકિસ્તાન સમર્થ કરે છે. કશ્મીર પણ તેનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રએ કશ્મીર સમસ્યા અંગે કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાની પહેલેથી જ ના પાડી છે અને જણાવ્યું છે કે, ભારત અને પકિસ્તાને ચર્ચા દ્વારા આ મુદ્દાનું સમાધાન લાવવું જોઈએ.
વર્તમાન સમયમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું સતત ઉલ્લંઘન કરાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં વધુ તણાવ આવ્યો છે. જેથી હાલના સમયમાં બન્ને દેશ વચ્ચે ચર્ચા યોજાય તેવી કોઈ જ શક્યતા નથી. કશ્મીર મુદ્દાના સમાધાન માટે ભારત કોઈ ત્રીજા પક્ષના દખલનો વિરોધ કરતું રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આ વિવાદના સમાધાન માટે હમેશાથી જ UNના હસ્તક્ષેપની માગ કરતું રહ્યું છે.