અફઘાનિસ્તાન: કાબુલ મિલિટરી યૂનિવર્સિટીમાં આતંકી હુમલો, 3 આતંકી ઠાર

કાબુલ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે મોટો આતંકી હુમલો થયો છે. આતંકીઓએ આ વખતે કાબુલની મિલિટરી યૂનિવર્સિટીને ટાર્ગેટ કરી હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ મિલિટરી યૂનિવર્સિટી પર હુમલો કરનારા ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. અને એક આતંકીને જીવતો પકડવામાં આવ્યો છે. આ હુમલામાં અફઘાન આર્મીનો એક જવાન માર્યો ગયો છે અને 10 અન્ય લોકો ઘાયલ થયા છે. આપને જણાવી દઈએ કે, શનિવારે કાબુલમાં થયેલા આતંકી હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા.અફઘાન ન્યૂઝ ચેનલના જણાવ્યા પ્રમાણે સ્થાનિક પ્રશાશને પણ આતંકી હુમલો થયો હોવાની ઘટનાને સત્તાવાર સમર્થન આપ્યું છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના પ્રવક્તા શાહ હુસૈનના જણાવ્યા મુજબ, કાબુલની માર્શલ ફહીમ મિલિટરી યૂનિવર્સિટીમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, આંતરિક યુદ્ધથી પરેશાન અફઘાનિસ્તાનમાં ગત શનિવારે પણ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક એમ્બ્યુલન્સમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયાં હતાં.

આ પહેલા પણ ગત 20 જાન્યુઆરીના રોજ આતંકીઓએ કાબુલ સ્થિત કાબુલ્સ ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં 40થી વધુ લોકોના મોત થયાં હતાં. જેમાં રેસ્ક્યૂ કાર્યવાહી કરીને સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. અને 41 વિદેશી નાગરિકો સહિત 126 લોકોને બચાવી લેવાયા હતાં.