ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં નવા ચૂંટાયેલા વડાપ્રધાન ઈમરાન ખાનને સરકાર બન્યાના એક મહિનાની અંદર મોટો ઝાટકો લાગ્યો છે. ઈમરાન ખાનને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે તેમની સરકારના સંસદીય કાર્ય સલાહકાર બાબર અવાને તેમના ઉપર ભ્રષ્ટાચારનો મામલો નોંધાયા બાદ તેમના પદેથી રાજીનામું આપ્યું છે.પોતાનું પદ છોડતી વખતે બાબર અવાને ટ્વીટ કર્યું કે, ‘સંસદીય કાર્ય મંત્રાલયથી મારું રાજીનામું આપવા માટે વડાપ્રધાન નિવાસસ્થાને ગયો હતો. કાયદાનું શાસન મારાથી જ શરુ થાય છે. આપનો ધન્યવાદ’.
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના ગણાતા બાબર અવાનના રાજીનામાના થોડા કલાકો પહેલા જ નેશનલ એકાઉન્ટેબલિટી બ્યૂરોએ ઈસ્લામાબાદમાં એકાઉન્ટેબલિટી કોર્ટમાં નંદીપુર પ્રોજેક્ટમાં વિલંબ માટે બાબર અવાન વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો.
સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ગત રવિવારના રોજ આ મામલે બાબર અવાન સાથે ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં વર્ષ 2008થી 2013 સુધી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની (PPP) આગેવાની વાળી સરકાર દરમિયાન આ પરિયોજનામાં મોડુ થયું હતું. એ સમયે બાબર અવાન કાયદા અને ન્યાયપ્રધાન હતા.