પેશાવર- પાકિસ્તાનના પેશાવરમાં યાકાતૂત વિસ્તારમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા છે જ્યારે 65 અન્ય ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની લેડી રીડીંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવકાર્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.મળતી માહિતી મુજબ એક ચૂંટણી બેઠક દરમિયાન થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં અવામી નેશનલ પાર્ટીના નેતા (ANP) હારુન બિલ્લૌર સહિત 14 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ અવામી નેશનલ પાર્ટીના કાર્યકર્તા અને હારુન બિલ્લૌરની ચૂંટણી બેઠક દરમિયાન થયો હતો. જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે બેઠકમાં આશરે 300 લોકો હાજર હતા.
આ વિસ્ફોટમાં અવામી નેશનલ પાર્ટીના નેતા હારુન બિલ્લૌર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે લેડી રીડીંગ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા. બોમ્બ ડિફ્યુઝ કરનારી ટીમે એ વાતની પુષ્ટિ કરી છે કે, આ હુમલો કરવા માટે ઓછામાં ઓછા 12 કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હારુન બિલ્લૌરના પિતા બશીર અહમદ બિલ્લૌર પણ આતંકવાદનો ભોગ બન્યા હતા. અને વર્ષ 2012માં પેશાવરમાં જ પાર્ટીની એક બેઠક દરમિયાન થયેલા તાલિબાન દ્વારા કરવામાં આવેલા આતંકી હુમલામાં માર્યા ગયા હતા.