ટ્વીટર પર ટ્રમ્પના સૌથી વધુ ફોલોઅર, પીએમ મોદી ત્રીજા સ્થાને

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટર પર સૌથી વધુ ફોલો કરાતા વિશ્વ નેતા છે. આ યાદીમાં પોપ ફ્રાન્સિસ બીજા ક્રમે છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં ત્રીજા સ્થાને છે. સંચાર કંપની બર્સન કોહન એન્ડ વુલ્ફ (BCW) દ્વારા કરવામાં આવેલા એક અધ્યયન અનુસાર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા બમણી થઈ ગઈ છે. BCWના તાજેતરના સર્વેક્ષણ ‘ટ્વીપ્લોમસી’ મુજબ ટ્રમ્પના ટ્વીટર હેન્ડલ @realDonaldTrump ને પાંચ કરોડ ત્રીસ લાખથી વધુ લોકો ફોલો કરે છે.જ્યારે પોપ ફ્રાન્સિસના ફોલોઅર્સની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પથી લગભગ 45 લાખ ઓછી છે અને પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા પોપ ફ્રાન્સિસથી આશરે એક કરોડ ઓછી છે. અધ્યયન મુજબ પોતાના ફોલોઅર્સ સાથે સંપર્ક, લાઈક અને રિટ્વીટના મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય કરતાં ઘણા આગળ છે. ગત 12 મહિના દરમિયાન પોતાના ફોલોઅર્સ સાથે અમેરિકન પ્રેસિડેન્ટે અંદાજે 26 કરોડ 45 લાખ વખત સંપર્ક કર્યો હતો. આ યાદીમાં પીએમ મોદી બીજા નંબરે અને પોપ ત્રીજા ક્રમે આવે છે.

ઉલ્લેખનીય છે કે, ફોલોઅર્સ સાથે સંપર્કમાં ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીની સરખામણીમાં પાંચગણા વધુ સક્રિય અને પોપની તુલનામાં 12 ગણા વધુ સક્રિય રહ્યાં. જો રિટ્વીટની વાત કરવામાં આવે તો, સાઉદી અરબના શાહ સલમાન સૌથી આગળ રહ્યાં. તેમણે મે 2017થી મે 2018 દરમિયાન ફક્ત 11 ટ્વીટ કર્યાં, જોકે તેમનું દરેક ટ્વીટ સરેરાશ 1 લાખ 54 હજાર 294 વખત રિટ્વીટ કરવામાં આવ્યું હતું.

રિટ્વીટના મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરેરાશ શાહ સલમાનની સરખામણીમાં ઘણી ઓછી, એટલે કે ફક્ત 20 હજાર 319 રહી. આપને જાણીને નવાઈ લાગશે કે, અમેરિકાનું વિદેશ મંત્રાલય અમેરિકાનું એકમાત્ર એવું સરકારી વિભાગ છે, જે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટ @realDoneldTrump ને ફોલો કરતું નથી. રસપ્રદ વાત એ છે કે, આ વિભાગ ઈરાનના પ્રેસિડેન્ટ હસન રૂહાની અને ઈરાના વિદેશપ્રધાન જવાદ જરીફને ફોલો કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]