ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં આવેલા ચૂંટણી પરિણામને લઈને ગતરોજ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સહિતના કેટલાક રાજકીય પક્ષોની ઈસ્લામાબાદમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન તમામ પક્ષોએ પાકિસ્તાનના ચૂંટણી પરિણામનો અસ્વીકાર કર્યો હતો. અને તમામ વિરોધ પક્ષોએ ફરીવાર પારદર્શક ચૂંટણી કરાવવાની માગ કરી છે. અને જો આમ નહીં કરવામાં આવે તો તેમણે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનની પણ વાત કરી હતી.આ બેઠકમાં મોટાભાગે નાના રાજકીય પક્ષો સામેલ થયી હતા. જેમને આ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ બેઠકમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને મુતાહિદા કોમી મૂવમેન્ટ પાર્ટીએ ભાગ લીધો નહતો.
આ બેઠક બાદ જમીયત ઉલેમા-એ-ઈસ્લામ પાર્ટીના અધ્યક્ષ ફઝલુર રહેમાને કહ્યું કે, આ ઈલેક્શન નહીં પણ સિલેક્શન કરવામાં આવ્યું છે. વધુમાં ફઝલુર રહેમાને કહ્યું કે, આ બેઠકમાં 25 જુલાઈના રોજ યોજવામાં આવેલી ચૂંટણીના પરિણામને નકારી કાઢવામાં આવે છે. કારણકે આ પરિણામને જનાદેશ ગણી શકાય નહીં.
ફઝલુર રહેમાને કહ્યું કે, ‘અમે માગણી કરીએ છીએ કે, ચૂંટણી ફરીવાર યોજવામાં આવે. અને આમ કરવા માટે અમે દેશભરમાં પ્રદર્શન કરીશું’. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનની ચૂંટણીના સામે આવેલા પરિણામ મુજબ ઈમરાન ખાનની પાર્ટી કુલ 270 બેઠકમાંથી 118 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે. તો નવાઝ શરીફની પાર્ટી PML-N 62 બેઠક જીતી બીજા મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.