ઈસ્લામાબાદઃ પાકિસ્તાન રાષ્ટ્રીય ધારાસભા (સંસદ)નું મહત્ત્વનું સત્ર આજથી શરૂ થશે. એમાં વડા પ્રધાન ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ગૃહની બેઠક આજે સવારે 11 વાગ્યાથી મળશે. સ્પીકર અસદ કૈઝર બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે.
આ સત્ર માટે 15 મુદ્દાઓનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. એમાં ઈમરાન ખાન સામે અવિશ્વાસના પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે. ઈમરાન ખાનને પદ પરથી હટાવવા માટે પાકિસ્તાનના તમામ વિરોધ પક્ષો સંગઠિત થયા છે. રાષ્ટ્રીય ધારાસભામાં કુલ 342 સભ્યો છે. અવિશ્વાસના પ્રસ્તાવનો પરાભવ કરાવવા માટે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની સરકારે ઓછામાં ઓછા 172 મત મેળવવા પડે. પરંતુ શાસક પાર્ટીના ઘણા સભ્યો અસંતુષ્ટ બન્યાં છે અને વિપક્ષના સમર્થનમાં છે.