મુંબઈ હુમલાના 11 વર્ષઃ હજી હાફિઝ પૂરેપૂરો હાથમાં આવ્યો નથી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ હુમલાના મુખ્ય ષડયંત્રકર્તા અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના ત્રણ નજીકના લોકો વિરુદ્ધ આતંકી ફંડીંગ મામલે આરોપ નક્કી કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય દબાણમાં પાકિસ્તાની ઓફિસરોએ લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવા, અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન વિરુદ્ધ તપાસ શરુ કરી તો ખ્યાલ આવ્યો કે આતંકવાદ માટે પૈસા ભેગા કરવા માટે કેટલાક ટ્રસ્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હાફિઝ સઈદ જેનું નેતૃત્વ કરે છે તે જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તૈયબાનું સૌથી પ્રમુખ સંગઠન છે. આ સંગઠન 2008 ના મુંબઈ હુમલાઓ માટે જવાબદાર છે, જેમાં 166 લોકો માર્યા ગયા હતા. એટીસી લાહોરે 69 વર્ષીય હાફિઝ સઈદ, હાફિઝ અબ્દુલ સલામ બિન મહોમ્મદ, મહોમ્મદ અશરફ અને ઝફર ઈકબાલને ગુનેગાર માન્યા છે. ત્યારે આવો, એક નજર કરીએ કે મુંબઈ હુમલાના આશરે 11 વર્ષ પસાર થયા તે સમયગાળાની અંદર હાફિઝ વિરુદ્ધ શું કાર્યવાહી થઈ?

 

ક્યારે શું થયું?

 • 26 નવેમ્બર, 2008 : લશ્કરના દસ આતંકીઓએ મુંબઈમાં ઘણા સ્થાનોપર હુમલો કરીને 166 લોકોની હત્યા કરી દીધી હતી.
 • ડિસેમ્બર 2008 : ભારતે સુરક્ષા પરિષદમાં હાફિઝ શઈદ અને તેના સંગઠનો જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધની ઔપચારિક અપીલ કરી.
 • 26 ઓગસ્ટ, 2009 : ભારતની અપીલ પર ઈન્ટરપોલે હાફિઝ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી.
 • 3 એપ્રીલ, 2012: અમેરિકાએ જમાત અને લશ્કરને બ્લેક લિસ્ટમાં નાંખ્યું. હાફિઝ સઈદ પર એક કરોડ ડોલરનું ઈનામ રાખ્યું.
 • 30 ઓગસ્ટ, 2012: અમેરિકાએ હાફિઝ સઈદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો. બ્લેક લિસ્ટમાં નાંખ્યો.
 • 24 નવેમ્બર, 2017 : લાહોર હાઈકોર્ટના આદેશ પર હાફિઝ જેલ મુક્ત થયો.
 • 03 ડિસેમ્બર, 2017 : હાફિઝે ચૂંટણી લડવાની જાહેરાત કરી. તે 2018 માં ચૂંટણી લડ્યો.
 • 22 ફેબ્રુઆરી, 2019 : પુલવામા હુમલા બાદ પાકિસ્તાને સઈદના સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો.
 • 04 જુલાઈ, 2019 : લશ્કર માટે ફંડિંગમાં સઈદ અને તેના 12 માણસો પર 23 કેસ નોંધાયા.
 • 07 ઓગસ્ટ, 2019 : પાકિસ્તાના આતંકવાદ વિરોધી વિભાગે સઈદ અને જમાતને દોષિત જાહેર કર્યા.
 • 27 સપ્ટેમ્બર, 2019 : અમેરિકાએ સઈદ અને મસૂદ અઝહર પર કેસ ચલાવવા માટે કહ્યું.
 • 11 ડિસેમ્બર, 2019 : લાહોરમાં એક કોર્ટે હાફિઝ અને તેમના ત્રણ નજીકના લોકો પર આરોપ નક્કી કર્યા.