નવી દિલ્હીઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ ગંભીર સ્થિતિમાં હતી પરંતુ કોરોના વાયરસના કારણે આ દેશમાં લોકોને ભૂખ્યા રહેવાની નોબત આવી ગઈ છે. ત્યાં અત્યારસુધીમાં 2680 જેટલા કેસો સામે આવ્યા છે કે જેમાં 40 જેટલા લોકોના મોત થયા છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને કોરોના વાયરસની મહામારીના કારણે 3 મહિનામાં 2500 અરબ રુપિયાનું નુકસાન થવાની અને 1.85 કરોડ લોકો બેરોજગાર થાય તેવી આશંકા છે. આ સંખ્યા ત્યાંની વસતીના 10 ટકા જેટલી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ આંકલન કોરોના વાયરસને રોકવા માટે સીમિત સ્તર પર અથવા તો કેટલીક છૂટ સાથે અને બાદમાં પૂર્ણ લોકડાઉનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાન સીમિત લોકડાઉનના સમયમાંથી પસાર થઈ ચૂક્યું છે અને હવે કેટલીક છૂટછાટ સાથે લોકડાઉન બાદ પૂર્ણ રીતે લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનના યોજના મંત્રાલયમાં વિભિન્ન મંત્રાલયોની બેઠક થઈ હતી. આ જ બેઠકમાં નુકસાનનું આંકલન કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ આ બેઠકમાં પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઈકોનોમિક્સના શરુઆતની શોધ તેમજ વિભિન્ન સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત આંકડાઓ પર ચર્ચા કરી. યોજના મંત્રાલયના આંકલન બાદ સામે આવ્યું કે, સીમિત લોકડાઉનની સ્થિતિમાં અર્થવ્યવસ્થાને 1200 અરબ રુપિયાનું નુકસાન થઈ શકે છે. જો કેટલીક છૂટ સાથે લોકડાઉનની સ્થિતિ રહી તો નુકસાન વધીને 1960 અબજ રુપિયા તેમજ પૂર્ણ રીતે લોકડાઉનની સ્થિતિમાં 2500 અબજ રુપિયા પર પહોંચી શકે છે.
આ પ્રકારે પ્રાથમિક આંકલનના આધાર પર સીમિત રોક સ્થિતિમાં 14 લાખ જેટલા લોકો કેટલીક છુટ સાથે લોકડાઉન થવા પર 1.23 કરોડ લોકો બેરોજગાર થવાની આશંકા છે. જો કે, પૂર્ણ લોકડાઉન થવા પર બેરોજગાર થનારા લોકોની સંખ્યા વધીને 1.85 કરોડ પર પહોંચી શકે છે.
