ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં પોતાની સરકાર બનાવ્યા બાદ PTIના વડા ઈમરાન ખાન પાસે જીતની ઉજવણી કરવાનો કોઈ ખાસ અવસર રહેશે નહીં. કારણકે, પાકિસ્તાનના નવા વડાપ્રધાન સામે અનેક મોટા આર્થિક પડકારો હશે.નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઈમરાન ખાને આ પડકારોનો ઝડપથી સામનો કરવો પડશે. પાકિસ્તાનની નવી સરકારે આગામી કેટલાક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે (IMF) બેલઆઉટની માગણી કરવી પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે, ઈમરાન ખાન તેના ચૂંટણી પ્રચારમાં કરેલા વાયદા મુજબ ઈસ્લામિક વેલફેયર સ્ટેટની રચના કરે છે કે પછી IMF પાસે મદદની માગણી કરશે.
વર્તમાન સમયમાં પાકિસ્તાન મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જે તેના નાણાંની સ્થિરતા અને વિદેશી દેવું ચૂકવવાની ક્ષમતા માટે જોખમરુપ છે. ગત કેટલાંક વર્ષોથી પાકિસ્તાનમાં બજેટની ખાધ ઝડપથી વધી રહી છે. જે ત્યાંની GDPના 10 ટકા છે. ઉપરાંત ઈંધણની વધી રહેલી કિંમતોના કારણે આયાતમાં ઝડપથી વધારો થયો છે.
સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના જણાવ્યા મુજબ જુલાઈ-2017થી માર્ચ-2018 દરમિયાન દેશના આયાત બિલનો 70 ટકા હિસ્સો મુખ્યત્વે ઊર્જા, મશીનરી અને મેટલ સાથે સંબંધિત છે. આ દરમિયાન નિકાસમાં થોડો વધારો નોંધાયો છે.
પાકિસ્તાને અત્યાર સુધી અગાઉ લીધેલી લોનની પણ પરત ચુકવણી કરી નથી. જેથી આગામી સમયમાં IMF પાસેથી વધુ ભંડોળ મેળવવું પાકિસ્તાન માટે મુશ્કેલ બનશે. બીજી તરફ પાકિસ્તાનને એ પણ ડર છે કે, બેલઆઉટ માટે IMF વર્ષ 2013 કરતાં નિયમો વધુ કડક હશે. જેનું કારણ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો છે. આપને જણાવી દઈએ કે, અમેરિકા ઈસ્લામાબાદ માટે એક સમયનું સૌથી મોટું દાતા ગણાતું હતું.