પાકિસ્તાનના PM તરીકે ઈમરાન 14 ઓગસ્ટે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

ઈસ્લામાબાદ- ઈમરાન ખાન 14મી ઓગસ્ટ એટલેકે પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન પદના શપથ લેશે તેમ માનવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ગત 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (PTI) સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈ આવી છે. પાર્ટીએ પાકિસ્તાનની 270 સંસદીય બેઠકોમાંથી 116 બેઠકો પર જીતી મેળવી હતી.આ અગાઉ 30 જુલાઈએ ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે, તેઓ 11 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે (PTI) જાહેરાત કરી હતી કે, સરકારની રચના માટે અને બહુમતી મેળવવા ગઠબંધનની પ્રક્રિયા કરી લેવામાં આવી છે. અને સંસદમાં સરકાર માટે પૂરતી બેઠકો મેળવી લેવામાં આવી છે.

પાકિસ્તાનના કેરટેકર કાયદા પ્રધાન અલી ઝફરે જણાવ્યું કે, ‘મારી અને કેરટેકર વડાપ્રધાન નિવૃત્ત જજ નસીરુલ મુલ્કની ઈચ્છા છે કે, નવા વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન 14મી ઓગસ્ટે એટલે કે, પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસે  શપથ ગ્રહણ કરે’. વધુમાં અલી ઝફરે જણાવ્યું કે, આગામી 11 અથવા 12 ઓગસ્ટના રોજ એસેમ્બલીનું નવું સત્ર બોલાવવામાં આવી શકે છે.