ઈસ્લામાબાદ – પાકિસ્તાનમાં ગઈ કાલે સંસદીય ચૂંટણીના યોજાઈ ગયેલા મતદાન બાદ મતગણતરી હજી પણ ચાલુ છે. કુલ 272 બેઠકો માટે મતદાન થયું હતું. એમાંથી 47 ટકા મતોની ગણતરી થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં મળેલા ટ્રેન્ડ અનુસાર, ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન ઈમરાન ખાનની પાકિસ્તાન તેહરીકે ઈન્સાફ પાર્ટી 120 બેઠક જીતીને સૌથી મોખરે છે. ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડા પ્રધાન બને એ નિશ્ચિત છે.
સ્પષ્ટ બહુમતી માટે કોઈ પાર્ટીએ 137 બેઠક જીતવી પડે. ઈમરાન ખાનની પાર્ટી 17 બેઠક દૂર છે. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓએ જીતની ઉજવણી શરૂ પણ કરી દીધી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-N પાર્ટી અત્યાર સુધીમાં 58 બેઠક પર આગળ છે અને બીજા નંબર પર છે જ્યારે ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. બેનઝીર ભૂટ્ટોનાં પુત્ર બિલાવલ ઝરદારી-ભૂટ્ટોની આગેવાની હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 33 બેઠક પર આગળ રહીને ત્રીજા નંબર પર છે. અન્ય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો 58 સીટ પર આગળ છે.
મતગણતરીમાં ગોલમાલ કરવામાં આવી હોવાનો પાકિસ્તાન મુસ્લિમ લીગ (N), પીપીપી તથા અન્ય પાર્ટીઓના આરોપને પગલે પરિણામની જાહેરાતમાં વિલંબ થયો છે. પાકિસ્તાન ચૂંટણી પંચે પીએમએલએન તથા પીપીપીના આરોપોને નકારી કાઢ્યા છે.
પાકિસ્તાનની સંસદમાં કુલ 342 સીટ છે. એમાંથી માત્ર 272 બેઠક પર ચૂંટણી યોજાઈ છે. 70 બેઠકો લઘુમતીઓ તથા મહિલાઓ માટે છે. (60 બેઠકો લઘુમતીઓ માટે અને 10 મહિલાઓ માટે)