ઈસ્લામાબાદ- પાકિસ્તાનની જનતાએ ચૂંટણીમાં ઈમરાન ખાનને વિજય તો અપાવ્યો, પણ સ્પષ્ટ બહુમતીમાં કેટલીક બેઠકો ઓછી મળી છે. જેથી હવે ઈમરાન ખાનને સરકાર બનાવવા ‘જોડ-તોડ’નો સહારો લેવો પડશે. મહત્વની વાત એ છે કે, ઈમરાન ખાન જે સરકાર બનાવશે તેમાં બે-ચાર સાંસદોવાળી અનેક નાની પાર્ટીઓને સાથે રાખીને બનાવેલી ખિચડી સરકાર હશે.પાકિસ્તાનમાં તહેરીક-એ-ઈન્સાફ પાર્ટી નેશનલ એસેમ્બલીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. પરંતુ તેણે બહુમતી મેળવી નથી. પાકિસ્તાન ચૂંટણી પંચ (ECP) દ્વારા બહાર પાડવામાં આવેલા અંતિમ આંકડા મુજબ PTIને કુલ 115 બેઠકો મળી છે. પાકિસ્તાનના કાયદા મુજબ કોઈ પક્ષને સરકાર રચવા માટે તેની પાસે ઓછામાં ઓછી 137 બેઠકો હોવી જોઈએ. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ગત 25 જુલાઈના રોજ ચૂંટણી યોજાઈ હતી.
પાકિસ્તાન ચૂંટણીના પરિણામ બાદ પ્રથમ નજરમાં એવું લાગી રહ્યું હતું કે, ઈમરાન ખાન બહુમતીથી 22 બેઠકો દૂર છે. પરંતુ આ ગણિત સામાન્ય નથી. તેમાં પણ કોયડો ઉકેલવો પડશે. ઈમરાનની પાર્ટી PTIના કેટલાક નેતાઓ એક કરતાં વધારે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ખુદ ઈમરાન ખાન પણ પાંચ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જેથી આ તમામ નેતાઓને એક બેઠક સિવાયની અન્ય બેઠકો છોડવી પડશે. અને ઈમરાન ખાનથી બહુમતીનો આંકડો એટલો વધારે દુર જશે.
પાકિસ્તાનની ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે (PML-N) 64 અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ (PPP) 43 બેઠકો મેળવી છે. આ બન્ને પક્ષ જો એકસાથે આવે તો સંસદમાં PTIને મોટો પડકાર આપી શકે છે.