ઈસ્લામાબાદ- ભારત અને પાકિસ્તાન તેના તણાવપૂર્ણ સંબંધોને કારણે વિશ્વમાં ચર્ચિત છે. પરંતુ તેનાથી વિપરીત એક અલગ તસવીર જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ જલદી જ બન્ને દેશની સેનાઓ સંયુક્ત યુદ્ધઅભ્યાસ કરી શકે છે. બન્ને દેશોની સેના આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. આ સૈન્ય અભ્યાસનું આયોજન રશિયાના ઉરાલ પર્વતીય વિસ્તારમાં કરવામાં આવશે.આતંકવાદી ગતિવિધિઓ પર અંકુશ મુકવાના પ્રસ્તાવ સાથે આયોજીત આ સૈન્ય અભ્યાસમાં ચીન સહિત અન્ય દેશ પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, દેશના વિભાજન થયા બાદ આ પ્રથમ ઘટના હશે જ્યારે ભારત અને પાકિસ્તાનની સેના સાથે મળીને સૈન્ય અભ્યાસ કરશે. જેમાં ચીન સાથેની ભાગીદારી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ડોકલામ તણાવ બાદ ભારત અને ચીને પણ પરસ્પર તણાવ ઓછો કરવા અનેક પ્રયાસો કર્યા છે. જેના વધુ એક પ્રયાસરુપે હાલમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે યોજાયેલી મંત્રણામાં બન્ને દેશ પોતાની સેનાઓ વચ્ચે સંચાર સેવા મજબૂત કરવા સહેમત થયા છે. રક્ષામંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ રશિયાના ઉરાલ પર્વત વિસ્તારમાં સૈન્યઅભ્યાસ શાંઘાઈ સહયોગ સંગઠનની (SCO) રુપરેખા અંતર્ગત કરવામાં આવશે. સંગઠનના બધા જ સદસ્ય દેશ યુદ્ધઅભ્યાસમાં ભાગ લેશે.
આ યુદ્ધઅભ્યાસનું નામ ‘શાંતિ મિશન’ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ઘણા લાંબા સમયથી ભારત અને પાકિસ્તાનના સૈનિકો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં એક સાથે કામ કરતા આવ્યાં છે. તેમ છતાં બન્ને દેશોની સેનાઓએ ક્યારેય સાથે યુદ્ધઅભ્યાસ કર્યો નથી. આઝાદી પછી આ પ્રથમ ઘટના હશે જ્યારે બન્ને દેશ સંયુક્ત યુદ્ધઅભ્યાસમાં સાથે જોવા મળશે.
આપને જણાવી દઈએ કે, કશ્મીરમાં આતંકવાદને પાકિસ્તાન દ્વારા અપાતું સમર્થન અને સરહદ પર અવારનવાર યુદ્ધવિરામનો ભંગ કરવાને લઈને ભારત અને પાકિસ્તાનના સંબંધો પહેલેથી જ તણાવપૂર્ણ રહ્યાં છે.