ટેકનિકલ કારણોસર ટ્વીટરે તેના 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા જણાવ્યું

સેનફ્રાંસિસ્કો- માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે તેના 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા જણાવ્યું છે. માઈક્રો બ્લોગિંગ સાઈટે ગતરોજ ટ્વીટ કરીને જણાવ્યું કે, તેના ઈન્ટરનલ લોગમાં એક બગ જોવા મળ્યું છે. જોકે આ બગને ઠીક કરી દેવામાં આવ્યું છે. વધુમાં ટ્વીટર દ્વારા નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, બગને કારણે યૂઝર્સના ડેટાને કોઈ અસર થઈ નથી. અને બગથી કોઈપણ પ્રકારની સુરક્ષા પ્રભાવિત થઈ નથી.બગને ઠીક કરી દેવામાં આવ્યા બાદ પણ કંપનીએ સાવધાની દાખવતા પોતાના યૂઝર્સને પાસવર્ડ બદલવા માટે તાકીદ કરી છે. કંપનીએ કહ્યું છે કે, આવા પ્રકારના બગ સાથે જોડાયેલી સમસ્યા ફરીથી થાય નહીં તેના માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પણ કેમ્બ્રિજ એનાલિટિકા સાથે સંબંધિત ડેટા કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ કેમ્બ્રિજ એનાલિટિકા માટે ટૂલ્સ બનાવનારી એલેક્સેન્ડર કોગને વર્ષ 2015માં માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ પાસેથી ડેટા ખરીદ્યો હતો.

આ પહેલા ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે 8.7 કરોડ યૂઝર્સના ડેટા અયોગ્ય રીતે કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવ્યા હતા. ફેસબુક પોતાના યૂઝર્સની ગોપનિયતાને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહ્યા બાદ સોશયલ મીડિયા કંપની તપાસના ઘેરામાં છે. જોકે ટ્વીટર પાસે ફેસબુકની સરખામણીમાં ઘણી ઓછી માહિતી રહેતી હોય છે.