104 નોટઆઉટઃ ઓસ્ટ્રેલિયાના સૌથી વૃદ્ધ વિજ્ઞાનીએ માગ્યું છે ઈચ્છામૃત્યુ

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા વિજ્ઞાની ડેવિડ ગુડૉલ 104 વર્ષના છે અને હજી નોટઆઉટ છે, પરંતુ એક અસાધ્ય બીમારીને કારણે એ ત્રાસી ગયા છે. આ બીમારીથી તેઓ જીવનથી એટલા બધા કંટાળી ગયા છે કે એમણે ઈચ્છામૃત્યુ માગ્યું છે અને એ પામવા માટે પોતાનો દેશ છોડી દીધો છે.

ઓસ્ટ્રેલિયામાં ઈચ્છામૃત્યુના માધ્યમથી જીવન ટૂંકાવી દેવાની પરવાનગી નથી. એટલે એ ઓસ્ટ્રેલિયા છોડીને સ્વિટ્ઝરલેન્ડ રવાના થઈ ગયા છે, જ્યાં આવી મુક્તિ માટે પરવાનગી છે.

જાણીતા ઈકોલોજિસ્ટ ગુડૉલ ગયા એપ્રિલમાં જ 104 વર્ષના થયા. એમના પરિવારજનો ફ્રાન્સમાં રહે છે. એટલે સ્વિટ્ઝરલેન્ડમાં જઈ ઈચ્છામૃત્યુ પામતાં પહેલાં એ ફ્રાન્સ જશે અને ત્યાં પરિવારજનો સાથે અમુક દિવસો રહેશે. એમને 10 મેએ ઈચ્છામૃત્યુ આપવામાં આવશે.

ગુડૉલનું કહેવું છે કે બીમારીએ એમને એવા પાંગળા કરી મૂક્યા છે કે એમને હવે જીવવાનું કોઈ કારણ જણાતું નથી. ‘મને તો આટલી મોટી ઉંમર સુધી પહોંચવાનો બહુ જ અફસોસ થાય છે. હું જરાય ખુશ નથી. મારે મરી જવું છે. મને એનું જરાય દુઃખ નથી.’

સ્વિટ્ઝરલેન્ડના બેઝલ શહેરમાં એક એવી એજન્સી છે જે દાયકાઓથી લોકોને જીવનનો અંત લાવી દેવા માટે ઈચ્છામૃત્યુમાં કે આત્મહત્યામાં સહાયતા કરે છે.

બેલ્જિયમ, કેનેડા, કોલંબિયા, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ્સ જેવા દેશોમાં ઈચ્છામૃત્યુની પરવાનગી છે, પરંતુ સ્વિટ્ઝરલેન્ડ એકમાત્ર એવો દેશ છે જ્યાં એવા કેન્દ્રો/એજન્સીઓ છે જે વિદેશીઓને ઈચ્છામૃત્યુ પામવામાં સહાયતા કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]