‘આધાર’ યોજના ટેક્નોલોજી ખૂબ સરસ, એમાં પ્રાઈવસીને લગતી કોઈ સમસ્યા નથીઃ બિલ ગેટ્સ

વોશિંગ્ટન – અબજોપતિ ઉદ્યોગપતિ અને સખાવતી બિલ ગેટ્સે કહ્યું છે કે ભારત સરકારે અમલમાં મૂકેલી ‘આધાર’ યોજનાથી તેઓ પ્રભાવિત થયા છે. આ યોજનાની ટેક્નોલોજીથી નાગરિકોની પ્રાઈવસીને લગતો કોઈ ખતરો નથી, એવું એમણે કહ્યું છે.

62 વર્ષીય અને માઈક્રોસોફ્ટના સ્થાપક ગેટ્સે ભારતની આધાર ટેક્નોલોજીના વખાણ કર્યા છે અને કહ્યું છે કે આ ટેક્નોલોજી બીજા દેશોએ પણ અપનાવવી જોઈએ. આ ટેક્નોલોજીમાં કોઈ પણ પ્રકારની પ્રાઈવસી લીક થવાનો ખતરો નથી.

આધાર યોજના માટે ગેટ્સ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા ‘બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’એ વિશ્વ બેન્કને ભંડોળ આપ્યું છે.

ગેટ્સનું કહેવું છે કે આધાર ટેક્નોલોજીથી પ્રાઈવસીને લગતી કોઈ સમસ્યા નથી. આના ઘણા ફાયદા છે. આધાર યોજનાના સર્જક ગણાતા અને ઈન્ફોસિસ કંપનીના સહ-સ્થાપક નંદન નિલેકણી આ પ્રોજેક્ટ પર વિશ્વ બેન્કને સૂચનો આપી રહ્યા છે અને મદદ પણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આધાર યોજના દુનિયાની સૌથી મોટી બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન (આઈડી) વેરિફિકેશન સિસ્ટમ છે. ભારતમાં 100 કરોડથી વધુ લોકો આ યોજનામાં સામેલ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, પડોશના અમુક દેશો પણ આધાર યોજના અંગે ભારતની મદદ લઈ રહ્યા છે.

2016ના નવેંબરમાં નીતિ આયોગ દ્વારા આયોજિત ટેક્નોલોજી ફોર ટ્રાન્સફોર્મેશન લેક્ચરમાં પણ બિલ ગેટ્સે આધાર ટેક્નોલોજીની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું હતું કે આધાર એવી પદ્ધતિ છે જે ભારતની પહેલાં બીજા કોઈ દેશની સરકારે લાગુ કરી નહોતી, કોઈ ધનવાન દેશે પણ નહીં.

ગેટ્સનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની સરકાર ભારતમાં સત્તારૂઢ થઈ એ પહેલાં આધાર યોજના ભારતમાં લાગુ થઈ હતી. મોદીએ આ યોજનાને આગળ વધારી છે. નંદન નિલેકણી મારા સારા દોસ્ત છે. એમણે એક એવી પહેલ કરી છે જેનાથી શાસન અને શિક્ષણ ક્ષેત્રમાં ઘણી સહાયતા મળશે.

આધાર એ ભારતીય નાગરિકો માટે 12-અંકવાળી ‘યૂનિક આઈડેન્ટિટી નંબર’ પદ્ધતિ છે, જે નાગરિકોના બાયોમેટ્રિક અને ડેમોગ્રેફિક ડેટા પર આધારિત છે. આ ડેટા યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સંસ્થાએ પ્રત્યેક નાગરિક પાસેથી ભેગી કરી છે. આ સંસ્થાની સ્થાપના ભારત સરકારે 2009ના જાન્યુઆરીમાં કરી હતી.