પાકિસ્તાનનો આક્ષેપઃ એ વિસ્ફોટમાં ભારતનો હાથ

ઈસ્લામાબાદઃ ભારત વિરુદ્ધનો પ્રચાર ચાલુ રાખતાં પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો છે કે ગઈ 23 જૂને લાહોરમાં ત્રાસવાદી કૃત્યોના સૂત્રધાર હાફિઝ સઈદના ઘરની બહાર થયેલા ભયંકર બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય નાગરિક સામેલ હતો. એ ધડાકામાં ત્રણ જણ માર્યા ગયા હતા અને બીજા 24 જણ ઘાયલ થયા હતા. તે એક પ્રચંડ બાઈકબોમ્બ હતો. એ ધડાકા માટે હજી સુધી કોઈ પણ ત્રાસવાદી જૂથે જવાબદારી સ્વીકારી નથી.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યૂસુફે રવિવારે પંજાબ પ્રાંતના પોલીસ વડાની સાથે યોજેલી પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો કે તે ધડાકાનો સૂત્રધાર એક ભારતીય નાગરિક છે જે એક ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલો છે. યૂસુફે જોકે એ કથિત શકમંદનું નામ આપ્યું નહોતું.