લાહોર – પાકિસ્તાનના જાણીતા ગાયક આતીફ અસલમે ન્યુ યોર્કમાં પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસને લગતા એક કાર્યક્રમમાં બોલીવૂડની ફિલ્મનું એક જાણીતું ગીત ગાતાં પાકિસ્તાનમાં લોકો એનાથી નારાજ થયા છે અને સોશિયલ મિડિયા પર એની પર ટીકાનો વરસાદ વરસ્યો છે.
આતીફે્ બોલીવૂડની ઘણી ફિલ્મોના ગીતો માટે પોતાનો સ્વર આપ્યો છે. એણે ન્યુ યોર્કના સમારંભમાં 2009માં આવેલી હિન્દી ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’નું ‘તેરા હોને લગા હૂં’ ગીત ગાયું હતું.
એના એ પરફોર્મન્સથી પાકિસ્તાનમાં એના ઘણા ચાહકો નારાજ થયા છે અને એની દેશભક્તિ વિશે સવાલ ઉઠાવ્યો છે અને એને આકરાં વેણ સંભળાવ્યા છે.
ટ્વિટર પર એક જણે લખ્યું છે, ‘આતીફ અસલમ માટે ઝીરો માન રહ્યું છે.’
એક અન્ય યુઝરે લખ્યું છે, ‘આતીફ અસલમનો બહિષ્કાર કરો.’
35 વર્ષીય ગાયક અસલમે એની ટીકાના પ્રત્યાઘાત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાંબી પોસ્ટ દ્વારા આપ્યા છે. એણે લખ્યું છે કે, ‘નયા પાકિસ્તાનમાં ઘણું બધું બદલાઈ જશે એવી મને આશા છે. મારા ટીકાકારો પ્રત્યે પણ મને આદર છે. પાકિસ્તાની ધ્વજ મારી પહેચાન છે અને મને એના પ્રત્યે કેટલું માન છે એ મારા પ્રશંસકો પણ જાણે છે. મારી સામેના નકલી પ્રચારનો કેવી રીતે સામનો કરવો એ મારા પ્રશંસકો બરાબર જાણે છે એ વાતે હું ખુશ છું.’
આતીફ અસલમે ગાયેલું ‘તેરા હોને લગા’ ગીત. એની સાથે સ્વર મિલાવ્યો છે આલિશા ચિનોયે.
httpss://youtu.be/rTuxUAuJRyY