પેશાવરઃ પાકિસ્તાનમાં એક પ્રાંતીય સરકારે પેશાવરમાં ભારતીય ફિલ્મ દિગ્ગજ એક્ટર દિલીપકુમારનું ઘર ખરીદવાનો નિર્ણય લીધો છે અને એને એના મૂળ સ્વરૂપમાં જ સુરક્ષિત કરીને એક મ્યુઝિયમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. એક વિડિયો સંદેશમાં ખૈબર પખતૂનખ્બાના મુખ્ય પ્રધાનની સૂચના પર વિશેષ સહાયક કામરાન બંગેશે કહ્યું છે કે જિલ્લા વહીવટી તંત્ર પેશાવરે મોહલ્લા ખુદાદાદ ક્યુસાસ ખાની બજારમાં દિલીપકુમારના પૂર્વજોના ઘરના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવતાં સેક્શન IV લગાવી છે.
દિલીપકુમારનું ઘર પહેલા તબક્કામાં ખરીદવામાં આવશે, જેના માટે ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા તબક્કામાં ઘરનું સમારકામ કરવામાં આવશે અને એને મૂળ આકારમાં પુનર્વસન કરવામાં આવશે, એમ બંગેશ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે પેશાવર પુનરુદ્ધાર યોજના હેઠળ દિલીપકુમારના ઘરને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે અને એને સુરક્ષિત કરવામાં આવશે. ત્યાર પછી એ સામાન્ય જનતા માટે ખુલ્લું રહેશે, જેથી ઐતિહાસિક પેશાવર શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને ભારતીય ફિલ્મઉદ્યોગમાં શોબિઝ દિલીપકુમારના યોગદાનને દર્શાવી શકાય.
