ઈમેન્યુએલ શાર્પેન્ટીયર, જેનિફર ડાઉડનાને રસાયણનો નોબેલ

સ્ટોકહોમઃ રસાયણ વિજ્ઞાનમાં વર્ષ 2020 માટે નોબેલ પુરસ્કારની ઘોષણા બુધવારે થઈ હતી. આ પુરસ્કાર બે મહિલા વિજ્ઞાનીને આપવામાં આવ્યો છે. એક છે, ફ્રાંસનાં ઈમેન્યુએલ શાર્પેન્ટીયર અને બીજાં છે, અમેરિકાનાં જેનિફર ડાઉડના. ‘જિનોમ એડિટિંગ’ની પદ્ધતિને વિકસિત કરવા માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે CRISPR-Cas9 DNA ‘કૈંચી’ના રૂપે ઓળખાતા જિનોમ એડિંટિંગ ટેક્નિકને વિકસિત કરી છે.

નોબેલ જ્યુરીએ કહ્યું હતું કે આના પ્રયોગથી સંશોધનકર્તાઓ પ્રાણીઓ, છોડો અને સૂક્ષ્મ જીવોના DNA ખૂબ જ ચોકસાઈથી બદલી શકે છે. આ ટેક્નિકનો જીવન વિજ્ઞાન પર એક ક્રાતિકારી પ્રભાવ પડ્યો છે. નવી કેન્સર સારવારમાં યોગદાન કરી રહી છે અને પૂર્વજોથી મળેલી બીમારીઓની સારવારના સપનાને સાચા કરી શકે છે.સ્ટોકહોમમાં સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સિસની પેનલે બુધવારે વિજેતાઓની ઘોષણા કરી છે. નોબેલ પુરસ્કાર હેઠળ સુવર્ણ પદક, એક કરોડ સ્વિડિશ ક્રોના (આશરે રૂ. 8.20 કરોડ)ની રકમ આપવામાં આવે છે. સ્વિડિશ ક્રોના સ્વીડનનું ચલણ છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે. બ્લેક હોલ સંબંધી શોધ માટે ત્રણ વૈજ્ઞાનિકોને આ વર્ષે ફિઝિક્સનું નોબેલ પુરસ્કાર મળ્યો છે.

રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સિસે ગઈ કાલે કહ્યું હતું કે બ્રિટનના રોજર પેનરોસે બ્લેકહોલ સંબંધી શોધ માટે તથા જર્મનીના રિનહાર્ડ ગેન્ઝેલ અને અમેરિકાની એન્ડ્રિયા ગેજને આપણી આકાશગંગાના કેન્દ્રમાં ‘સુપરમેસિવ કોમ્પેક્ટ ઓબ્જેક્ટ’ની શોધ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે. નોબેલ પુરસ્કાર સમિતિએ સોમવારૈ શરીર વિજ્ઞાન અને મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર અમેરિકી વૈજ્ઞાનિકો-હાર્વે જે ઓલ્ટર, ચાર્લ્સ એમ રાઇઝ અને બ્રિટનમાં જન્મેલા વૈજ્ઞાનિક માઇકલ હફટનને આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય સાહિત્ય, શાંતિ અને અર્થંશાસ્ત્ર જેવાં ક્ષેત્રોમાં સરાહનીય કાર્ય માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે.