ઓહાયો રાજ્યની સેનેટે વિવેક અગ્નિહોત્રીને સમ્માનિત કર્યા

કોલંબસઃ અમેરિકાના ઓહાયો રાજ્યની સેનેટ (વરિષ્ઠ સભા)એ ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને એમની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ના નિર્માણ બદલ સમ્માનિત કર્યા છે. સેનેટે ફિલ્મની કદરરૂપે અગ્નિહોત્રીને એક પ્રશસ્તિપત્ર આપ્યું છે. ઓહાયો રાજ્યના સેનેટર નીરજ અંતાણીના જણાવ્યા મુજબ, આ પ્રશસ્તિપત્રમાં અગ્નિહોત્રીને ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ બનાવવા બદલ સમ્માનિત કરવામાં આવ્યા છે. અગ્નિહોત્રીએ એમની ફિલ્મમાં કટ્ટરવાદી ઈસ્લામીઓ દ્વારા 1990ના દાયકામાં કશ્મીરની ભૂમિ પર કશ્મીરી પંડિતોના કરવામાં આવેલા નરસંહારને પ્રસ્તુત કર્યો છે.

ઓહાયોની સેનેટમાં સેનેટર તરીકે ચૂંટાઈ આવેલા નીરજ અંતાણી રાજ્યના ઈતિહાસમાં પ્રથમ ભારતીય અમેરિકન અને હિન્દુ અમેરિકન છે. પ્રશસ્તિપત્રમાં ઓહાયો સેનેટના પ્રમુખ અને સેનેટર મેટ હફમેન તથા અંતાણી, બંનેએ એમના હસ્તાક્ષર કર્યા છે. પ્રશસ્તિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘ધ કશ્મીર ફાઈલ્સના લેખક અને દિગ્દર્શક, તમે ઉચ્ચતમ પ્રશંસાને હકદાર છો અને તમારે માટે આ એક વિશેષ ગિફ્ટ છે. તમે એ તમામને ખુશી અપાવી છે જેમની સાથે તમે તમારી પ્રતિભાની વહેંચણી કરી છે. તમે એવી ફિલ્મ બનાવી છે જે સમગ્ર વિશ્વના લોકોને અપીલ કરે છે. ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ એવી કશ્મીરી પંડિતોને એમની જ ભૂમિ પરથી હિજરત કરવાની પડેલી ફરજની વાસ્તવિક્તાને તમે ફિલ્મમાં રજૂ કરી છે.’