બિન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા આઈએમએફ ભારતને સમજાવશે

વોશિંગ્ટનઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સંસ્થાએ કહ્યું છે કે ચોખાની ચોક્કસ વેરાયટી (નોન-બાસમતી સફેદ ચોખા)ની નિકાસ પર મૂકેલા નિયંત્રણોને હટાવી દેવા તે ભારત સરકારને પ્રોત્સાહિત કરશે. કારણ કે, ભારતે નિકાસ પર નિયંત્રણો મૂકતાં વિશ્વ સ્તરે આ ચોખાની કિંમત વધી જશે, એમ આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ પીએર-ઓલિવિયર ગોરીન્ચેસે ગઈ કાલે અહીં પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

ઘરઆંગણાની છૂટક બજારોમાં આ ચોખાની કિંમત વધે નહીં અને પૂરવઠાને માઠી અસર ન પડે એટલા માટે કેન્દ્ર સરકારે ગઈ 20 જુલાઈએ નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ભારતમાંથી ચોખાની જે નિકાસ કરવામાં આવે છે તેમાં આ વેરાયટીના ચોખાની નિકાસનો હિસ્સો 25 ટકા છે.