કાબુલઃ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરનાર ઉગ્રવાદી સંગઠન તાલિબાન તરફથી દુનિયાના દેશોને ખાતરી આપવામાં આવી છે કે તે કોઈ પણ દેશ માટે જોખમ ઊભું નહીં કરે. તાલિબાન તરફથી ગઈ કાલે સૌપ્રથમ વાર પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને એમાં તેના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન તરફથી દુનિયાના કોઈ પણ દેશને જોખમ ઊભું નહીં કરાય. તાલિબાન અન્ય દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો રાખવા માગે છે.
ઝબીહુલ્લા મુજાહિદ આ પહેલી જ વાર જાહેરમાં આવ્યા છે. એમણે કહ્યું કે તાલિબાન કોઈ પણ દેશને બીજા દેશો પર હુમલા કરવા માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ કરવા નહીં દે. જે અમેરિકામાં 9/11ના ભયાનક ટ્વિન ટાવર આતંકવાદી હુમલા પહેલાંના વર્ષોમાં કરવામાં આવતું હતું. અમારો ઈસ્લામિક એમિરેટ દેશ દુનિયાના તમામ દેશોને ખાતરી આપે છે કે અમારા દેશ તરફથી કોઈ પણ દેશને ખતરો નહીં રહે.