ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડ દેશે આજે તેના એક નિર્ણયને કાયમી કાયદા તરીકે પાસ કરી દીધો છે. તે અનુસાર, દેશમાં યુવાન વયનાં લોકો માટે સિગારેટ કે તમાકુ ઉત્પાદનો ખરીદવા પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ધૂમ્રપાનના વ્યસનને તબક્કાવાર નાબૂદ કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
આ કાયદા અનુસાર, 2009ની 1 જાન્યુઆરી બાદ જન્મેલી કોઈ પણ વ્યક્તિ ન્યૂઝીલેન્ડમાં હવે ક્યારેય તમાકુ ઉત્પાદન, સિગારેટ ખરીદી નહીં શકે. કોઈ પણ વ્યક્તિ એમને વેચી પણ નહીં શકે. ન્યૂઝીલેન્ડમાં અત્યારે પણ 18 વર્ષની નીચેની વયનાં લોકોને સિગારેટ કે તમાકુ ઉત્પાદનો વેચવાની મનાઈ છે.
આરોગ્યપ્રેમી સંસ્થાઓએ ન્યૂઝીલેન્ડ સરકારના આ નિર્ણયની સરાહના કરી છે. આરોગ્ય સત્તાવાળાઓનું માનવું છે કે એમણે 2025ની સાલ સુધીમાં ન્યૂઝીલેન્ડને ધૂમ્રપાન-મુક્ત કરવાનો ધ્યેય નક્કી કર્યો છે.