ન્યૂયોર્ક સિટીઃ આ શહેરમાં વસતા એશિયન-અમેરિકન નાગરિકો સાથે કરાતા રંગભેદ-જાતિભેદ પ્રેરિત ભેદભાવ અને એમની પર કરાતા વંશીય હુમલાઓ સામેના વિરોધમાં સેંકડો ન્યૂયોર્ક સિટીવાસીઓએ ગઈ કાલે એક રેલી કાઢી હતી. આ રેલીનું આયોજન ‘આન્સર કોએલિશન’ (ANSWER Coalition) સંસ્થાના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સંસ્થામાં યુદ્ધ-વિરોધી અને નાગરિક અધિકારોના રક્ષણની તરફેણ કરતા સંગઠનો સામેલ છે. દેખાવકારો ક્વીન્સ બોરો વિસ્તારમાં એકત્ર થયા હતા અને કૂચ કાઢી હતી. આ વિસ્તારમાં એશિયન સમુદાયનાં લોકો મોટી સંખ્યામાં વસે છે. રેલીમાં અનેક વક્તાઓએ જાતિવાદ અને હિંસા વિશે અંગત અનુભવો જણાવ્યા હતા.
ન્યૂયોર્કની સાથે જ અમેરિકાના 25 રાજ્યોના 60થી વધુ શહેરોમાં પણ એશિયન-અમેરિકન્સના ટેકામાં રેલીઓ કાઢવામાં આવી હતી અને એશિયાવાસીઓ પર વંશીય હુમલાઓ બંધ કરવામાં આવે અને ચીનને ભાંડવાનું બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈ 16 માર્ચે એટલાન્ટા, જ્યોર્જિયામાં ગોળીબારની ઘટનામાં 6 એશિયાવાસીનાં મરણ નિપજ્યા હતા.