નેપાળમાં ભયંકર વાવાઝોડુ, 25 લોકોના મોત, 400 લોકો ઘાયલ

કાઠમાંડુઃ દક્ષિણી નેપાળના અનેક ગામો ભીષણ તોફાનની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે આ સમગ્ર દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે અને 400 લોકો ઘાયલ થયા છે. નેતાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ તોફાનમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાહત અને બચાવ અભિયાનો માટે પ્રભાવિત ક્ષેત્રોમાં સુરક્ષા કર્મચારીઓને તેનાત કરી દેવામાં આવ્યા છે.

નેપાળના વડાપ્રધાનના મુખ્ય સલાહકાર વિષ્ણુ રિમલ અનુસાર, બચાવ અભિયાનોમાં તેજી લાવવા માટે સૈન્ય દળોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. રિમલે પ્રાંતના એટોર્ની જનરલ દીપેન્દ્ર ઝા દ્વારા બચાવ અભિયાનોમાં નેપાળી સૈન્ય દળોને તેનાત કરવાની માંગ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ત્યાં તત્કાલ બે બટાલિયનો તૈનાત કરી દેવામાં આવી છે. કાઠમાંડુમાં નાઈટ વિઝન હેલીકોપ્ટર્સને બચાવ અભિયાનો માટે તૈયાર રાખવામાં આવ્યા છે. આપણી સુરક્ષા એજન્સિઓ વાતાવરણ અનુકુળ થાય તેની રાહ જોઈ રહી છે.

ગૃહમંત્રાલયના અધિકારીઓએ આજે જણાવ્યું કે આ તોફાન ગઈકાલે સાંજે બારા તેમજ પરસા જિલ્લામાં આવ્યું છે. રાજધાની કાઠમાંડૂથી 128 કિલોમીટર દક્ષિણમાં સ્થિત બારા જિલ્લામાં તોફાનથી 24 લોકોના અને પરસા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે.