કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ તેમની અને ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રચંડ વચ્ચે લાંબા સમયથી ચાલતા રાજકીય ઝઘડા બાદ દેશની સંસદનું આજે વિસર્જન કરી નાખ્યું છે. દેશમાં સંસદીય ચૂંટણી વહેલી – 2021ની 30 એપ્રિલ અને 10 મે, 2021 વચ્ચે યોજાશે. આ રાજકીય સંકટ શાસક નેપાલ કમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)માં બે જૂથ વચ્ચે ઊભા થયેલા ઝઘડાને કારણે આવ્યું છે. એક જૂથની આગેવાની 68 વર્ષના વડા પ્રધાન ઓલી લઈ રહ્યા છે અને બીજા જૂથની આગેવાની 66-વર્ષના પ્રચંડ લઈ રહ્યા છે. ઓલી 2017ની ચૂંટણીમાં જીત્યા હતા.
ઓલીએ કરેલી ભલામણને પગલે દેશના રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારીએ 275-સભ્યોની સંસદનું વિસર્જન કરી નાખ્યું છે. વડા પ્રધાન ઓલીએ આજે સવારે તેમના કેબિનેટની તાકીદની બેઠક બોલાવી હતી અને તેમાં સંસદનું વિસર્જન કરવા અને ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 30 એપ્રિલે અને બીજા તબક્કામાં 10 મેએ મતદાન યોજાશે. નવી ચૂંટણી 2022માં યોજાવાની હતી, પરંતુ ઓલીએ પ્રચંડ સાથે સમાધાન કરવાને બદલે સંસદનું વિસર્જન કરી ચૂંટણી વહેલી (મધ્યસત્ર ચૂંટણી) યોજવાનું નક્કી કર્યું છે.