લિબીયામાં ડેનિયલ વાવાઝોડાને કારણે 3 લાખ બાળકો મુશ્કેલીમાં

ન્યૂયોર્કઃ આફ્રિકા ખંડના દેશ લિબીયામાં ગયા અઠવાડિયે આવેલા ભયાનક ચક્રવાત ડેનિયલને કારણે આશરે 3 લાખ જેટલા બાળકોને માઠી અસર પહોંચી છે. આ આંકડો વધી રહ્યો છે. એવા બાળકો અને પરિવારોને માનવતાવાદી સહાયતાની તાતી જરૂર છે. વાવાઝોડાને કારણે અનેક ઘરો, હોસ્પિટલો, શાળાઓ તથા અન્ય આવશ્યક માળખાકીય સવલતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)ની પેટાસંસ્થા યૂનિસેફના જણાવ્યા મુજબ, ડેનિયલ વાવાઝોડા અને તેને કારણે આવેલા પૂરને લીધે પૂર્વીય લિબીયામાં 11 હજારથી વધારે લોકો માર્યા ગયા છે અને બીજાં હજારો લોકો લાપતા છે. બેઘર થઈ ગયેલા લોકો અસંખ્ય પ્રમાણમાં છે. હજારો લોકોને શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે. ઘણા વિસ્તારો દેશના બાકીના ભાગથી વિખૂટા પડી ગયા છે અને ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. ત્રણ હોસ્પિટલો અને જાહેર આરોગ્ય કેન્દ્રોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે.