ટોક્યો: દુનિયામાં અનેક પ્રકારના અજીબોગરીબ ઉત્સવો ઉજવવામાં આવે છે. ભારતમાં અને વિકસિત દેશોમાં ટૂંકા કપડાને લઈને વિરોધ પ્રદર્શનો અને રમખાણો થઈ જાય ત્યારે દુનિયાના કેટલાક દેશો એવા છે જ્યાં શરીર પર ઓછામાં ઓછા કપડા પહેરીને ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. તમને ભલે આ ફેસ્ટિવલ અજીબ લાગતા હોય, પણ સ્થાનિક લોકો તેને બહુ જ ઉત્સાહથી ઉજવે છે. આપણે અહીં વાત કરી રહ્યા છીએ જાપાનના નેકેડ ફેસ્ટિવલની… આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે તેને ઓછામાં ઓછા કપડા પહેરીને સેલિબ્રેટ કરવામાં આવે છે. તાજેતરમાં જ જાપાનના હોંશુ આઈલેન્ડ પર આ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો, જેમાં સેંકડો જાપાનીઝ પુરુષોએ ભાગ લીધો હતો.
બરફ જેવા ઠંડા પાણી અને તેમાં લગભગ કહેવા પૂરતા કપડા પહેરી હજારો લોકો એકસાથે ડુબકી મારતા જોઈ તમને પણ સવાલ થતો હશે કે આ લોકોને આવું કરવાની શું જરૂર પડી હશે?
જાપાનમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા શનિવારે સૈદાઈજી કાનોનિયન મંદિરમાં નેકેડ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં લોકો શરીર પર ઓછામાં ઓછા કપડા પહેરેલા નજરે પડે છે. કેટલાક લોકો તેમાં સફેદ મોજોની સાથે ફનડોશી (જાપાનીઝ પારંપરિક કપડા) પહેરીને આવે છે.
આ ફેસ્ટિવલ માત્ર પુરુષો માટે જ આયોજીત કરવામાં આવે છે જેમાં અનોખી હરીફાઈ પણ રાખવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા નેકેડ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પુરુષોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદેશ્ય યુવા પેઢીમાં ખેતી માટે રૂચી પેદા કરવાનો છે. ઓકાયામા ટૂરિઝમ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું કે, અમને આશા છે કે તેઓ ભવિષ્યમાં આ પરંપરા આગળ વધાશે.
પરંપરા અનુસાર પુરુષો આ ફેસ્ટિવલના શરુઆતના કલાકોમાં મંદિરની આસપાસ ચક્કર લગાવે છે અને પછી ઠંડા પાણીથી પોતાને પવિત્ર કરે છે. પછી તેઓ મુખ્ય મંદિરમાં પ્રવેશે છે. મંદિરમાં પ્રવેશ પછી હરિફાઈ શરુ થાય છે જેમાં સ્પર્ધકોને બે લકી સ્ટિક (લાકડી)ઓ શોધવાની હોય છે. જે મંદિરના પૂજારી 100 લાકડીઓના બંડલોની સાથે લોકોના ટોળામાં ફેંકે છે. મહત્વનું છે આ સ્પર્ધકો જ્યારે જળકુંડમાંથી બહાર નિકળે છે ત્યારે શરીર પર ઈજાઓના નિશાન હોય છે, પણ પરંપરાનું પાલન કરવા માટે તે દર વર્ષે આ ઉત્સવમાં ભાગ લે છે.