જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાની પોલીસ દક્ષિણી શહેર ઈસ્ટ લંડનમાં એક નાઇટ ક્લબમાં 22 લોકોના રહસ્યમય મોતની તપાસ કરી રહી છે. જેમનાં મોત થયાં છે, એ બધાં વિદ્યાર્થીઓ છે અને તેમની ઉંમર 13 વર્ષની આસપાસ છે. જોકે આ વિદ્યાર્થીઓનું કયાં કારણોસર મોત થયું એ જાણી શકાયું નથી, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ વિદ્યાર્થીઓ સ્કૂલની પરીક્ષા પૂરી થયાની મજા માણવા ક્લબમાં આવ્યા હતા.
સ્થાનિક ન્યૂઝપેપર ડેલી ડિસ્પેચના અહેવાલ અનુસાર આ વિદ્યાર્થીઓનાં શબ, ટેબલ તથા ખુરશીઓની પાસે મળ્યાં હતાં. આ વિદ્યાર્થીના મૃતદેહો પાસે કોઈ ઇજાનાં નિશાન નહોતાં. હજી અમે મોતનાં કારણોની તપાસ કરી રહ્યા છીએ. અમે મોતનું વાજબી કારણ જાણવા ત્વરિત મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવીશું, એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું. ગૃહપ્રધાન ભેકી સેલે જણાવ્યું હતું કે આ કિશોરોની ઉંમર 13થી 17 વર્ષની વચ્ચે હતી. જેથી સવાલ ઊભો થાય છે કે નાની ઉંમર હોવા છતાં તેમને દારૂ કેમ આપવામાં આવ્યો?
My deepest condolences go to the families of the 22 teenagers who lost their lives at a tavern in Scenery Park, East London, in the early hours of this morning.
— Cyril Ramaphosa 🇿🇦 (@CyrilRamaphosa) June 26, 2022
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ મૃતકોના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ આ કિશોરો ક્લબમાં એકસાથે જમા થવા પર ચિંતા વ્યક્ત કરી હતી, કેમ કે આ બધા વિદ્યાર્થીઓની સંખ્યા 18 વર્ષથી નીચે હતી અને ક્લબમાં 18 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધ હોવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
આ ક્લબના માલિક સિયાખંગેલા નદેવુએ સ્થાનિક મિડિયાને જણાવ્યું હતું કે તેમને રવિવારે સવારે ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હકીકતમાં મને પણ માલૂમ નથી કે શું થયું હતું, પણ મને સવારે બોલાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો ત્યાં ઘૂસવાના પ્રયાસ કરી રહ્યા હતા. જોકે મોતનું સાચું કારણ જાણવા આપણે પોલીસના અહેવાલની રાહ જોવી પડશે, એમ તેમણે કહ્યું.