બ્રાઝિલના-પ્રમુખ બોલ્સોનારો એમની દીકરીને કોરોના-રસી નહીં અપાવે

બ્રાસિલિયાઃ બ્રાઝિલના પ્રમુખ જાઈર બોલ્સોનારો કોરોના-વિરોધી રસી સામેના એમના વિરોધને પાછો ખેંચવા જરાય તૈયાર નથી. ઉલટાનું, એમણે હવે એમ કહ્યું છે કે તેઓ એમની 11 વર્ષની દીકરીને કોવિડ-19ની રસી નહીં અપાવે. કોરોના રોગચાળો દુનિયાભરમાં ફેલાવાનું શરૂ થયું ત્યારથી બોલ્સોનારોએ રસી-વિરોધી જે વલણ અપનાવ્યું છે એની દેશના આરોગ્ય નિષ્ણાતો ખૂબ ટીકા કરી રહ્યા છે.

દરમિયાન, એમની બોલ્સોનારોની સરકારે 5-11 વર્ષની વયનાં બાળકો માટે કોરોના-રસીકરણ કાર્યક્રમને આ મહિનાના આરંભમાં મંજૂરી આપી હતી. પરંતુ બોલ્સોનારો પોતે એવું બોલ્યા છે કે દેશમાં બાળકો એવી રીતે મરતા નથી કે એમને માટે રસી મૂકાવવી વાજબી ગણાવી શકાય. બોલ્સોનારોના સમર્થકો રસીકરણની વિરુદ્ધમાં બોલે છે, પણ દેશની બહુમતી સંખ્યામાં લોકો રસીકરણને ટેકો આપે છે.