વોશિંગ્ટન- અમેરિકાના ટ્રમ્પ પ્રસાશન દ્વારા હાલમાં અનેકવાર પાકિસ્તાનને તેની ધરતી ઉપરથી થતાં આતંકવાદ પર રોક લગાવવા અંગે ફટકાર લગાવવામાં આવી છે. જેનું અમેરિકામાં રહેતા મુહાજિર સમુહે સ્વાગત કર્યું છે.
આપને જણાવી દઈએ કે, મુહાજિર એ ઉર્દૂ શબ્દ છે જેનો ઉપયોગ એવા પ્રવાસીઓ માટે કરવામાં આવે છે, જેઓ 1947ના ભાગલા સમયે ભારત છોડીને પાકિસ્તાન સ્થાયી થયાં હતાં. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં મુહાજિર સમુદાય વસે છે.
યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ હાલમાં જ અફઘાનિસ્તાનની યાત્રા પર હતા. આ યાત્રા દરમિયાન પણ માઈક પેન્સે કહ્યું હતું કે, આતંકી સમુહો માટે ‘સેફ હેવન’ ગણાતા પાકિસ્તાનને યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ચેતવણી આપતાં જણાવ્યું છે કે, આતંકી સમુહો સામે પાકિસ્તાન કાર્યવાહી કરે.
પાકિસ્તાનને ટ્રમ્પની ચેતવણીની યાદ અપાવતાં માઈક પેન્સે કહ્યું કે, ‘હું પ્રેસિડેન્ટ ટ્રમ્પના શબ્દોને દોહરાવું છું અને આતંકી સમુહો સામે કાર્યવાહી કરવા પાકિસ્તાનને ફરી એકવાર ચેતવણી આપું છું.’ અમેરિકા સાથે સહયોગ કરીને પાકિસ્તાનને ઘણો ફાયદો થયો છે. જેનાથી વિપરીત આતંકીઓ અને અપરાધીઓને આશ્રય આપીને પાકિસ્તાનને મોટી કીમત ચુકવવી પડશે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પને લખેલા અક પત્રમાં વર્લ્ડ મુહાજિર કોંગ્રેસે (WMC) અફઘાનિસ્તાનમાં માઈક પેન્સ દ્વારા આપવામાં આવેલા નિવેદનનું સ્વાગત કર્યું છે. WMCએ જણાવ્યું કે, દક્ષિણ એશિયામાં વિશેષ કરીને પાકિસ્તાની સેના અને પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI દ્વારા આતંકી સંગઠનોને આશ્રય આપવાની નીતિ પર ચેતવણી ઉચ્ચારવી એ સહારનિય કાર્ય છે.