ભારતને ઘેરવા ‘ડ્રેગન’ની ચાલ, CPECને અફઘાનિસ્તાન સુધી વિસ્તારવાની યોજના

બિજીંગ- ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને (CPEC) લઈને ચીનની વધુ એક ચાલ સામે આવી છે. PoKમાંથી પાકિસ્તાન સુધી રસ્તો બનાવી હવે ચીન ભારતના મિત્ર દેશ અફઘાનિસ્તાનને પણ પોતાની તરફ લાવવા ઈચ્છે છે અને આ ઉદ્દેશ્યથી ચીન CPECની યોજના અફઘાનિસ્તાન સુધી લંબાવવા વિચારી કહ્યું છે.

આ માટે ચીનની રાજધાની બિજીંગમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિદેશપ્રધાનો વચ્ચે ત્રિપક્ષીય મંત્રણા કરવામાં આવી હતી. આ પ્રથમ ઘટના છે જ્યારે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે એકસાથે મંત્રણા કરવામાં આવી હોય. આ બેઠકમાં ચીને CPECના વિવાદીત પ્રોજેક્ટને પાકિસ્તાનથી અફઘાનિસ્તાન સુધી વિસ્તારવા યોજના રજૂ કરી હતી.

પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફ અને અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન સલાઉદ્દીન રબ્બાની સાથે મુલાકાત બાદ ચીનના વિદેશપ્રધાન વાંગ ચીએ જણાવ્યું કે, ‘અફઘાનિસ્તાનમાં લોકોનું જીવનધોરણ સુધારવાનું ઘણું જ આવશ્યક છે. અમે આશા રાખીએ છીએ કે, અફઘાનિસ્તાન આ ઈન્ટર કનેક્ટિવિટીમાં જોડાશે. જેથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને મદદ કરવાની દિશામાં ચીન વધુ પ્રયાસ કરી શકે’.

ઉલ્લેખનીય છે કે, ચીન અને પાકિસ્તાનની આ નવી ચાલ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. કારણકે મધ્ય એશિયામાં અફઘાનિસ્તાન અવો દેશ છે જેની સાથે ભારતના સંબંધ મૈત્રીપૂર્ણ રહ્યાં છે. હાલના સમયમાં ઘણી ઘટનાઓમાં ભારતે અફઘાનિસ્તાનને દરેક પ્રકારે મદદ કરી છે. આતંકવાદગ્રસ્ત અફઘાનિસ્તાનને મદદ કરવા ભારત હંમેશા તેની સાથે ઉભું રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અફઘાનિસ્તાન મુદ્દે ભારતના સહયોગને મહત્વનો ગણાવ્યો છે.