નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે જણાવ્યું છે એનું ‘INS કેસરી’ જહાજ ‘મિશન સાગર’ યોજના હેઠળ માલદીવ માટે 580 ટન ખાદ્યસામગ્રી લઈને ગઈ કાલે માલે પાટનગર શહેર પહોંચ્યું હતું. ભારત સરકાર દ્વારા આ મિશન કોરોના વાઇરસના રોગચાળા સામેના વૈશ્વિક જંગ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. નૌસેનાએ એક જાહેરાતમાં જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં કોરોના વાઇરસની મહામારી અને સામાજિક અંતરના નિયમને ધ્યાનમાં રાખીને 12 મે, 2020એ ઓનલાઇન સમારોહમાં માલદીવના સત્તાવાળાઓને ખાદ્યસામગ્રી સોંપવામાં આવી હતી.
‘ઓપરેશન સમુદ્ર સેતુ’ની સાથે ‘મિશન સાગર’નો પણ પ્રારંભ
એ સમારોહમાં માલદીવના વિદેશપ્રધાન અબદુલ્લા શાહિદ, સંરક્ષણપ્રધાન મારિયા અહમદ દીદી અને માલદીવમાં ભારતીય ઉચ્ચાયુક્ત સંજય સુધીર હાજર હતા. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન સમુદ્ર સેતુ’ની સાથે ‘મિશન સાગર’ પણ શરૂ કરવામાં આવ્યું છે.
નૌકાદળે જણાવ્યું છે કે ભારત સરકાર કોરોના સંકટમાં મિત્ર દેશોને મદદ પહોંચાડી રહ્યું છે અને એ મિશન હેઠળ માલદીવના લોકો માટે 580 ટન ખાદ્યસામગ્રી લઈને ‘INS કેસરી’ પહોંચ્યું છે.
