નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે સાત મહિનાથી યુદ્ધ જારી છે, ત્યારે વર્ષ 2023માં 59 દેશોના આશરે 28.2 કરોડ લોકો ભૂખથી તડપવા મજબૂર થયા હતા અને યુદ્ધગ્રસ્ત ગાઝામાં સૌથી વધુ લોકોએ દુકાળની ગંભીર સ્થિતિનો સામનો કર્યો હતો, એમ ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસનો અહેવાલ કહે છે.
વર્ષ 2022માં 2.4 કરોડથી વધુ લોકોએ ખાદ્ય સામગ્રીની ભારે અછતથી ઝઝૂમવું પડ્યું હતું, જેને કારણે ગાઝા પટ્ટી અને સુડાનમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ બગડેલી હતી. ખાદ્ય સંકટવાળા દેશોની સંખ્યામાં પણ વધારો થયો હતો, જેની નિગરાની કરવામાં આવી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભૂખનો એક માપદંડ નક્કી કર્યો છે, જેમાં પાંચ દેશોના 7.05 લાખ લોકો પાંચમા તબક્કામાં છે, જેને ઊંચો સ્તર માનવામાં આવે છે. 2016માં વૈશ્વિક રિપોર્ટ જારી કરવાના પ્રારંભથી એ સંખ્યા અત્યાર સુધી સૌથી વધુ છે અને 2016માંની સંખ્યાની તુલનાએ એમાં ચાર ગણો વધારો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે ગંભીર દુકાળનો સામનો કરી રહેલા લોકોમાંથી 80 ટકા લોકો એટલે કે 5,77,000 લોકો માત્ર ગાઝામાં છે. જ્યારે દક્ષિણી સુડાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખથી તડપી રહ્યા છે. અહી મદદ પહોંચાડવામાં પણ ભારે મુશ્કેલીઓનો સાનવો કરવો પડે છે. રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ગાઝામાં આશરે 11 લાખ લોકો અને દક્ષિણ સુડાનમાં 79,000 લોકો જુલાઈ સુધી પાંચમા તબક્કામાં પહોંચી શકે છે, અને દુકાળનો સામનો કરવા માટે મજબૂર થઈ શકે છે.