નવી દિલ્હીઃ વિશ્વ આખામાં અત્યારે કોરોના સંકટ ચાલી રહ્યું ત્યારે આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પને દિલ્હીના હેપ્પીનેસ ક્લાસ યાદ આવી ગયા અને તેમણે દિલ્હી સરકારના ભરપૂર વખાણ કર્યા છે.
કોરોના વાયરસના વધતા સંક્રમણ અને પડકારો વચ્ચે મેલાનિયા ટ્રમ્પે ટ્વીટ કર્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હી સરકારની શાળામાં હેપ્પીનેસ ક્લાસ જોઈને હું પ્રભાવિત થઈ ગઈ હતી. અત્યારે અસામાન્ય પડકારના સમયમાં મન અને શરીર બંન્નેનું ધ્યાન રાખીને આપણી ભલાઈનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
મેલાનિયા ટ્રમ્પના આ ટ્વીટના જવાબમાં તેમને ટેગ કરતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ તેમનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, અમે આપની યાત્રા માટે આભારી છીએ. અમારી શાળાઓમાં આપનું આવવું એક સન્માનની વાત હતી. આ અસામાન્ય પડકારના સમયમાં, જ્યારે દરેક લોકોને ઘરે રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે હેપીનેસ ક્લાસ એટ હોમ સંબંધો અને ભાવનાત્મક સંબંધોને ફરીથી બનાવવા અને સુધારવામાં મદદ કરી રહ્યા છે.