ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝે વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. એમનો દાવો છે કે પોતાને તાજેતરમાં જ્યારે જેલમાં પૂરવામાં આવ્યાં હતાં, ત્યારે તેમના બેરેકના બાથરૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા જ તે કેમરા લગાડવામાં આવ્યા હતા. આ તો એક મહિલાનું અપમાન કહેવાય, એમ તેમણે કહ્યું હતું.
હજી થોડા દિવસ પહેલાં પાકિસ્તાન સેના અને આઇએસઆઇના અધિકારી કરાચીમાં મરિયમ નવાઝ જે હોટેલમાં ઉતર્યાં હતાં ત્યાં એમની રૂમમાં દરવાજો તોડીને જબરદસ્તીથી ઘૂસી ગયા હતા અને મરિયમનાં પતિની ધરપકડ કરી હતી. મરિયમે જણાવ્યું હતું કે ઇમરાન ખાન સરકારે તેમને બે વાર જેલમાં મોકલ્યાં હતાં. ત્યાં મહિલાઓ સાથે કેવી રીતનું વર્તન થાય છે, જો હું સાચી વાત કહીશ તો વહીવટીતંત્ર અને સરકારનો ચહેરો જોવા લાયક નહીં રહે. આ કેવી સરકાર છે, જ્યાં એક મહિલા અને તેના પતિની ધરપકડ કરવામાં આવે છે અને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે.
નવાઝ શરીફ હાલ સારવાર માટે લંડનમાં ગયા છે. ત્યાં નવાઝ શરીફે વિડિયો કોન્ફરન્સિંગ કરીને સેનાનું નામ લઈને કેટલાય ગંભીર આરોપ લગાવ્યા છે. એમના પુત્રી મરિયમે કહ્યું હતું કે દેશની સેનાનું કામ સરહદનું રક્ષણ કરવાનું છે, નહીં કે રાજકારણ રમવાનું.