માલદીવ: રાજકીય કટોકટી વચ્ચે સુપ્રીમ કોર્ટે 12 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

માલે- માલદીવની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 12 સાંસદોને સસ્પેન્ડ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો એક મહત્વપૂર્ણ સંસદીય કાર્યવાહી પહેલાં આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી માલદીવના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીનને પ્રોત્સાહન મળશે.આપને જણાવી દઈએ કે, માલદીવની સુપ્રીમ કોર્ટે પોતાના એ ચુકાદાને ફેરવી તોળ્યો છે જેમાં તેણે પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીનને રાજકીય કેદીઓને છોડવા આદેશ કર્યો હતો. આ નિર્ણયથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, માલદીવ સુપ્રીમ કોર્ટે પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીન દ્વારા લાગુ કરવામાં આવેલા 15 દિવસના કટોકટીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જેના લીધે આજે માલદીવ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, ગત 1 ફેબ્રુઆરીના રોજ માલદીવ સુપ્રીમ કોર્ટે આદેશ જારી કર્યો હતો કે, રાજકીય પાર્ટી છોડનારા તમામ 12 સાંસદોને ફરીવાર તેમના પદ પર નિયુક્ત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના વર્તમાન ચુકાદાએ માલદીવની રાજકીય સ્થિતિ સદંતર બદલી નાખી છે.

ત્રણ જજોની બેન્ચે ચુકાદો સંભળાવતા જણાવ્યું કે, અદાલત પોતાના 1 ફેબ્રુઆરીના ચુકાદાને સસ્પેન્ડ કરે છે. પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીન દ્વારા દેશમાં રાજકીય કટોકટીની જાહેરાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા બીજીવાર પોતાનો નિર્ણય બદલવામાં આવ્યો છે.

માલદીવના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીનને દેશમાં રાજકીય કટોકટી લાગુ કર્યા બાદ અને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કર્યા બાદથી જ વૈશ્વિક આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ રાજકીય સંકટને કારણે માલદીવના ટૂરિઝમ ઉદ્યોગ ઉપર પણ પ્રતિકૂળ અસર થઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]