છોકરીઓને સ્કૂલ જતી રોકવી ખતરનાકઃ મલાલા

લંડનઃ પાકિસ્તાનની સામાજિક કાર્યકર્તા અને નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યૂસુફઝઈએ કર્ણાટકમાં ચાલતા હિજાબ વિવાદમાં ઝૂકાવ્યું છે. એમણે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે છોકરીઓને સ્કૂલમાં જતી રોકવી ઘણી ખતરનાક છે. એમણે લખ્યું છે કે, કોલેજ અમને અભ્યાસ અને હિજાબમાંથી એકની પસંદગી કરવાનું દબાણ કરે છે. છોકરીઓને એમનાં હિજાબ સાથે શાળામાં જતી રોકવી ભયાનક છે. ઓછું કે વધારે પહેરવાના મુદ્દે મહિલાઓનું વસ્તુકરણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલવાનું બંધ કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મલાલા યૂસુફઝઈ પાકિસ્તાન સહિત દુનિયાભરમાં છોકરીઓનાં શિક્ષણનાં હક માટે સતત અવાજ ઉઠાવતાં રહ્યાં છે. 2011માં તાલીબાન ઉગ્રવાદીઓએ એમની પર ગોળીબાર કર્યો હતો. એક ગોળી એમનાં માથામાં વાગી હતી. ત્યારબાદ સારવાર માટે એમને બ્રિટનમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. એ ત્યારથી લંડનમાં જ રહે છે. 2014માં એમને નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.