કોરોના ટ્રાન્સમિશન ચેઇનને તોડવા લોકડાઉન જરૂરીઃ ફૌસી

વોશિંગ્ટનઃ ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર બેહદ ઘાતક બની રહી છે અને દેશનાં અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓનાં થઈ રહ્યાં છે, ત્યારે અમેરિકાના રોગચાળાના નિષ્ણાત એન્થની ફૌસીએ ભારતમાં થોડાંક સપ્તાહ માટે લોકડાઉનનું સૂચન કર્યું છે, કેમ કે કોરોનાને બીજી લહેરને કાબૂમાં કરવા માટે કોઈ અન્ય ઉપાયો દેખાતા નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં ચાર લાખથી વધુ નવા કેસો આવ્યા છે.

તેમણે કહ્યું છે ભારતમાં હાલ ઓક્સિજન, દવાઓ, પીપીઈ કિટની તત્કાળ સપ્લાય કરવાની જરૂર છે. અમેરિકાના મુખ્ય આરોગ્ય સલાહકાર ડો. ફૌસીએ ભારતને સલાહ પણ આપી છે કે ભારતમાં જે રીતે કોરોના બેકાબૂ બન્યો છે એ જોતાં દેશમાં થોડા સપ્તાહોનું લોકડાઉન લગાવવું જરૂરી છે. તેમને મતે ભારતમાં રસીકરણની મંદ ગતિ પણ ચિંતા પ્રેરે છે. તેમણે કોઈ પણ સરકારનું નામ લીધા વિના કહ્યું હતું કે કોરોના સામે ઉતાવળે જીત જાહેર કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે એક વર્ષ પહેલાં ચીનમાં કોરોના કેસોમાં ઉછાળો આવતાં ચીને સંપૂર્ણપણે જેતે વિસ્તારમાં લોકડાઉન લગાડ્યું હતું. જોકે છ મહિના માટે લોકડાઉન લગાવવાની જરૂર નથી પણ કામચલાઉ રીતે કોરોનાની ચેઇનને તોડવા માટે લોકડાઉન લગાવવું જરૂરી છે.

હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરેલા સંબોધનમાં દેશની જનતાને કોવિડ પ્રોટોકોલનું સખતાઈથી પાલન કરવાની અપીલ કરી હતી, પણ લોકડાઉન અંતિમ વિકલ્પ હોવાની વાત પણ તેમણે કરી હતી.