ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને બાદમાં તેની હત્યા કરવાની ઘટના સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે. આ કેસમાં લાહોર કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.હાઈકોર્ટે ઘટનાને ગંભીર ગણાવી આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે વધુમાં કહ્યું કે, સાત વર્ષની બાળકી સાથે આવો જઘન્ય અપરાધ કરનારા વ્યક્તિને ચાર વખત ફાંસી આપવી જોઈએ. મહત્વનું છે કે, કોર્ટે બે મહિનામાં જ આ કેસમાં ચુકાદો આપ્યો છે.
પંજાબ પ્રાંતના કસૂર શહેરમાં થયેલી આ ઘટનાથી પુરા પાકિસ્તાનમાં ગુસ્સાનો માહોલ જોવા મળ્યો છે. માસુમ બાળકી સાથે દુષ્કૃત્ય અને હત્યાના આરોપી બાળકીના પાડોશી ઈમરાન અલીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ લાહોરની કોર્ટે 24 વર્ષના આરોપીને ફાંસીની સજાનો ચુકાદો સંભળાવ્યો છે. દુષ્કૃત્યની આ ઘટના બાદ પાકિસ્તાનના અનેક શહેરોમાં પ્રદર્શન અને જનઆક્રોશ જોવા મળ્યો છે. આ ઘટનાને ભારતમાં થયેલી નિર્ભયાની ઘટના સાથે સરખાવવામાં આવે છે. વિશ્વના અન્ય દેશોમાં પણ ઘટનાની નિંદા કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, પાંચ જાન્યુઆરીના રોજ બાળકી લાપતા થઈ હતી. એ સમયે તેના માતા-પિતા સાઉદી અરબ ગયા હતાં અને બાળકી તેના સંબંધીને ત્યાં રહેતી હતી. બાદમાં 9 જાન્યુઆરીના રોજ શાહબાઝ ખાન રોડ પાસે કચરાના ઢગલામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોસ્ટમોર્ટમ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સાબિત થયું હતું.