સોલઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના આરોગ્યને લઈને છેલ્લા એક મહિનાથી અટકળોનો દોર જારી હતો. તેમના વિશેના સારામાઠા અહેવાલોની વચ્ચે શુક્રવારે કિમ જોંગ પહેલી વાર જાહેરમાં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કરતા સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી KCNAના અહેવાલ મુજબ કિમ શુક્રવારે પાટનગર પ્યોંગયાંગની નજીક સુનચોનમાં એક જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા.
કિમ જોંગે ફેક્ટરીની મુલાકાત લીધી
કોરિયાની કેન્દ્રીય એજન્સીના જણાવ્યા મુજબ કિમ હવે જ્યારે આ કાર્યક્રમમાં સામેલ થયા ત્યારે બધા લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને ઉત્પાદન પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કિમે કહ્યું હતું કે જો તેમના દાદા અને પિતાએ આ સમાચાર સાંભળ્યા હોત કે આધુનિક ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર ફેક્ટરી બનીને તૈયાર થઈ ગઈ તો તેઓ બહુ ખુશ થયા હોત.
કિમ જોંગ ઉનની મોતની અટકળો
કિમ જોંગ ઉન 15 એપ્રિલે તેમના દાદાના જન્મદિવસના સમારોહમાં સામેલ નહોતા થયા, એ પછી તેમના સ્વાસ્થ્યને લઈને જાતજાતના તર્ક-વિતર્કના અહેવાલો સામે આવી રહ્યા હતા. કેટલાક અહેવાલોમાં તો તેમના મોતની આશંકા પણ દર્શાવવામાં આવી હતી.
આ પહેલાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનના ટોચના સુરક્ષા સલાહકાર મૂન ચુંગ-ઇને કિમના સ્વાસ્થ્યની લઈને આવી રહેલી અફવાઓ વચ્ચે દાવો કર્યો હતો કે કિમ જોંગ ઉન જીવિત થે અને સ્વસ્થ છે. એ અધિકારીએ કહ્યું હતું કે 13 એપ્રિલથી કિમ વોનસાનમાં રહી રહ્યા છે.
કિમ જોંગના મોતની અફવા
એક ઓનલાઇન ન્યૂઝપેપરે ડેલી એનકેના ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે કિમ 12 એપ્રિલે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ (હ્દય સંબંધી ઓપરેશન) પ્રક્રિયામાંથી પસાર થયા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વધુપડતું સ્મોકિંગ, ઓબેસિટી અને કામના ભારણને કારણે તેમની આ સારવાર કરવામાં આવી છે.