મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો પર ખાલિસ્તાનવાદીઓ દ્વારા ફરી હુમલો કરવામાં આવ્યો છે. નવા બનાવની જાણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોને કારણે થઈ છે. ઓસ્ટ્રેલિયા ટુડે અખબારે તેના ટ્વિટર વીડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે હુમલામાં પાંચ જણને ઈજા થઈ છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે વીડિયોમાં જોઈ શકાય છે કે ખાલિસ્તાનવાદીઓના એક જૂથે હુમલો કર્યા બાદ ભારતીયોનું એક જૂથ બચવા માટે ઘટનાસ્થળેથી ભાગી રહ્યું છે. એક વ્યક્તિ એક ભારતીય ધ્વજને તોડતો અને જમીન પર ફેંકતો જોઈ શકાય છે. હિન્દુ હ્યુમન રાઈટ્સ ઓસ્ટ્રેલિયા સંસ્થાનાં ડાયરેક્ટર સારાહ એલ. ગેટ્સે ભારતીય રાષ્ટ્રધ્વજ હાથમાં પકડેલા એક ભારતીય યુવકનો પીછો કરતા ખાલિસ્તાનવાદીઓના એક જૂથનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા મનજિંદર સિંહ સિરસાએ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનવાદીઓ દ્વારા કરાતી ભારત-વિરોધી પ્રવૃત્તિઓને વખોડી કાઢી છે.