ટોરન્ટોઃ ઉત્તર અમેરિકામાં આવેલા કેનેડા દેશમાં ભારત-વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રહી હોવા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી ગઈ કાલે જ નવી દિલ્હીમાં G20 શિખર સંમેલન ખાતે કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સમક્ષ ભારતની તીવ્ર ચિંતા વ્યક્ત કરી હતી, તે છતાં આજે કેનેડામાં ખાલિસ્તાન જનમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીખ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભારતમાં શીખ લોકો માટે અલગ રાષ્ટ્ર – ખાલિસ્તાનની રચના કરવા માટે સમર્થન મેળવવા માટે ગઈ કાલે રવિવારના દિવસે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા ખાતે જનમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ગુરુદ્વારામાં ગયા જૂન મહિનામાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરને ઠાર મારવામાં આવ્યો હતો. આ જનમતનું આયોજન ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવેલા ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં હજારો લોકો એકત્ર થયા હોવાનો ગ્લોબલ ન્યૂઝ ચેનલનો અહેવાલ છે.
ગઈ કાલે, નવી દિલ્હીમાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે મુઠ્ઠીભર લોકોના કૃત્યને આખા સમુદાય કે કેનેડા દેશના પ્રતિનિધિત્વ તરીકે ગણાવી શકાય નહીં. કેનેડા હંમેશાં અભિવ્યક્તિની આઝાદી, અંતરાત્માની આઝાદી અને શાંતિપૂર્ણ દેખાવોની આઝાદીનો બચાવ કરશે, પરંતુ એની સાથોસાથ, હિંસા અને નફરતને રોકવા માટે અમે હંમેશાં તત્પર રહીશું.