નવી દિલ્હીઃ તુર્કી મલેશિયાને રસ્તે છે. હાલ તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાનમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે પાકિસ્તાની સંસદને સંબોધતાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. એર્દોગને કહ્યું હતું કે કાશ્મીર જેટલું પાકિસ્તાન માટે મહત્ત્વપૂર્ણ છે. એટલું તુર્કી માટે પણ મહત્ત્વનું છે. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં જુલમ થઈ રહ્યા છે. તેમણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાની રાગ આલાપતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને બિનશરતી ટેકો કરવાનું વચન પણ આપી દીધું છે.પાકિસ્તાની સંસદમાં એર્દોગનનું સંપૂર્ણ ભાષણ ઇસ્લામ અને મુસલમાનની આસપાસ જ હતું. તેમણે કહ્યું હતું કે કોઈ જમીનની સીમા ઇસ્લામ માનવાવાળાને વહેંચી નથી શકતી. એર્દોગને અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પને પણ આડે હાથ લીધા હતા. તેમણે મુસ્લિમ દેશોને એકજૂટ થવા પર ભાર મૂક્યો હતો. તેમણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. એર્દોગને પાકિસ્તાનને કહ્યું હતું કે તમારું દર્દ એ મારું દર્દ છે. તેમણે આ પહેલાં 2016માં પાકિસ્તાની સંસદને સંબોધી હતી.
તેઓ બે વર્ષ પહેલાં બે દિવસના ભારત પ્રવાસે આવ્યા હતા. પણ ભારત આવતાં પહેલાં એ વખતે તેમણે એક ઇન્ટવ્યુમાં કાશ્મીર મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીર મામલો દ્વિપક્ષી નહીં, પણ બહુપક્ષી છે. જોકે તેમના નિવેદન બાબતે આશ્ચર્ય ના થવું જોઈએ, કેમ કે પાકિસ્તાન અને તુર્કી જૂના મિત્રો છે. વળી, તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગન ગુરુવારે ઇસ્લામાબાદ હતા, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન તેમને એરબેઝ પર રિસીવ કરવા ગયા હતા અને ગાર્ડ ઓફ ઓનર આપ્યા પછી ઇમરાન ખાને તેમની ગાડી ડ્રાઇવ કરી હતી.