જાવેદ અખ્તર લાહોરમાં બોલ્યા; ‘મુંબઈના હુમલાખોરો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે’

લાહોરઃ જાણીતા બોલીવુડ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર હાલ લાહોરમાં છે. તેઓ નામાંકિત ઉર્દૂ કવિ ફૈઝ એહમદ ફૈઝની યાદમાં આયોજિત એક મહોત્સવમાં હાજરી આપવા આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન એમને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે ભારતીયોને તમે જાણ કરો પાકિસ્તાનનાં લોકો સકારાત્મક, મૈત્રીપૂર્ણ અને પ્રેમાળ દેશનાં છે. ત્યારે એના જવાબમાં અખ્તરે કહ્યું કે બંને દેશ વચ્ચે ‘સંદેશવ્યવહારની નાકાબંધી’ છે.

અખ્તરે કહ્યું કે, ‘આપણે એકબીજાને દોષ દેવાનું હવે બંધ કરીએ. એનાથી પ્રશ્નનો ઉકેલ નહીં આવે.’ ”જો ગરમ હૈ ફિઝા, વો કમ હોની ચાહિયે. હમ તો બમ્બૈયા લોગ હૈં. હમને દેખા વહાં કૈસે હમલા હુઆ થા. વો લોગ નોર્વે સે તો નહીં આયે થે, ના ઈજિપ્ત સે આયે થે. વો લોગ અભી ભી આપકે મુલ્ક મેં ઘૂમ રહે હૈં. તો યે શિકાયત અગર હિન્દુસ્તાની કે દિલ મેં હો તો આપકો બુરા નહીં માનના ચાહિયે.” દેખીતી રીતે જ, અખ્તરનો ઈશારો 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાનમાંથી આવેલા 10 ત્રાસવાદીઓએ મુંબઈમાં અનેક ઠેકાણે કરેલા ભયાનક હુમલાઓ તરફ હતો.

અખ્તરે વધુમાં કહ્યું કે પાકિસ્તાને ક્યારેય લતા મંગેશકરને આમંત્રિત કર્યાં નહોતા જ્યારે નુસરત ફતેહ અલી ખાન અને મેહદી હસન જેવા પાકિસ્તાની ગાયકોને ભારતે ખુલ્લા દિલે આવકાર્યા છે.